અરેરાટી@બનાસકાંઠા: વાવના ચાંગડામાં ભારે કરુણાંતિકા; ઝેરી ઘાસચારો ખાવાથી 44 ગાયોના મોત

 
ઘટના

ગૌપ્રેમીઓ અને ગૌશાળાના ટ્રસ્ટીઓમાં ભારે શોકની લાગણી

અટલ સમાચાર સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાવ-થરાદમાંથી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળામાં ઝેરી ઘાસચારો ખાવાના કારણે એકસાથે 44 જેટલી ગાયોના કરુણ મોત નીપજ્યા છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના ગૌપ્રેમીઓ અને ગૌશાળાના ટ્રસ્ટીઓમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગૌશાળામાં રહેલી 80થી વધુ ગાયોને મકાઈનો લીલો ઘાસચારો નીરવામાં આવ્યો હતો. આ ઘાસચારો ખાધાના થોડા જ સમયમાં ગાયોની તબિયત લથડવા લાગી હતી અને ફૂડ પોઇઝનિંગની ગંભીર અસર જોવા મળી હતી.

ઘાસચારામાં રહેલા ઝેરી તત્વોના લીધે ટૂંક સમયમાં જ 44 ગાયોએ દમ તોડી દીધો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક પશુ તબીબોની ટીમને બોલાવવામાં આવી હતી. પશુ તબીબોએ અથાક જહેમત ઉઠાવીને સમયસર સારવાર આપી 35થી વધુ ગાયોના જીવ બચાવી લીધા છે, જેથી મોટી હોનારત ટળી હતી. આ ઘટના બાદ ગૌશાળા સંચાલકો અને તબીબી ટીમ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે કે, લીલા મકાઈના ઘાસચારામાં નાઈટ્રેટ કે અન્ય કોઈ કેમિકલયુક્ત ઝેરી અસર હોવાથી આ ગંભીર ફૂડ પોઇઝનિંગ થયું હોઈ શકે છે. તમામ મૃતક ગાયોની ગૌપ્રેમીઓ દ્વારા ધાર્મિક વિધિ અને સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌશાળાના ટ્રસ્ટીઓ ચિંતામાં મુકાઈ ગયા છે અને હાલ પશુપાલન વિભાગ દ્વારા ઘાસચારાના સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.