શોક@મહેસાણા: સહકારી ક્ષેત્રના દિગ્ગજ અને કોંગી નેતા નટુકાકાનું અવસાન

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના દિગ્ગજ સહકારી આગેવાન નટુભાઇ પિતાંબરદાસ પટેલનું આજે સવારે અવસાન થયુ છે. બિમારીને પગલે છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ અને ઉંમરના તકાજા વચ્ચે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો છે. શરૂઆતથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા નટુકાકાને જીંદગીના અંતિમ પડાવમાં સહકારી ક્ષેત્રોમાં અસ્તિત્વની લડાઇ લડવી પડી હતી. નટુકાકાના અવસાનને પગલે સહકારી આલમમાં ભારેખમ ખોટ પડી હોવાનું મનાય છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મૂળ મહેસાણાના પરા વિસ્તારના અને સહકારી આલમની અનેક સંસ્થાઓમાં સર્વોચ્ચ પદે રહેલા નટુભાઇ પટેલનું બિમારીની સારવાર વચ્ચે અવસાન થયુ છે. આજે સવારે 10:30 કલાકે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયાનું સામે આવતાં ઉત્તર ગુજરાતના કો.ઓપરેટીવ ક્ષેત્રમાં ગમગીની છવાઇ ગઇ છે. નટુકાકાએ ઇફ્કો, કૃભકો, ગંજબજાર સહિતના સહકારી એકમોમાં સેવાઓ આપી હતી. મૂળ કોંગ્રેસી નટુકાકાએ સહકારી ક્ષેત્રોમાં અનેક પદે રહ્યા પછી જીંદગીના છેલ્લા વર્ષોમાં વજૂદ ટકાવવાની લડાઇ લડી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાજેતરના વર્ષોમાં નટુકાકાને મહેસાણામાં જ નીતિન પટેલના દબદબા સામે ભારે ટક્કર મળી હતી. આવી સ્થિતિમાં મહેસાણા ગંજબજાર સહિત અનેક સહકારી એકમોમાંથી પીછેહટ કરવી પડી હતી. નટુકાકાના અવસાનને પગલે સહકારી આલમના રાજકીય નેતાઓ, કર્મચારીઓ અને સહકાર ક્ષેત્રના અભ્યાસુઓએ ગુરૂ સમાન વ્યક્તિ ગુમાવી છે.