હડકંપ@રાજકોટ: કોટડાસાંગાણી ગૌશાળામાં 80 ગાયોના કમકમાટીભર્યા મોત, બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક 80 જેટલી ગાયોના મૃત્યુ નીપજ્યા હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.સાંઢવાયા ગામે છેલ્લા 27 વર્ષથી આ ગૌશાળા કાર્યરત છે, જ્યાં હાલમાં આશરે 350 જેટલી ગાયોનો નિભાવ થાય છે. ગાયોને તેમના નિત્યક્રમ મુજબ ચારો નાખવામાં આવ્યો હતો, પરંતુ ચારો ખાધા બાદ ગાયો અચાનક તરફડીયા મારવા લાગી હતી અને તેમના મોત થવા લાગ્યા હતા. સાંજ પડતાં સુધીમાં મૃત્યુનો આંકડો 80 પર પહોંચી ગયો હતો.
ઘટનાની ગંભીરતા જોતા પશુપાલન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. રાજકોટ, ગોંડલ, કોટડાસાંગાણી સહિતના પશુ ડોક્ટરોની એક ટીમ સાંઢવાયાની ગૌશાળાએ પહોંચી ગઈ છે અને અસરગ્રસ્ત અન્ય પશુઓની તાત્કાલિક સારવાર શરૂ કરી છે. ગાયોના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઘાસચારાના મહત્ત્વના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા ફૂડ પોઈઝનિંગને કારણે ગાયોના મોત થયાનું તારણ કાઢવામાં આવ્યું છે. પોલીસ અને પશુપાલન વિભાગે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

