ચોંક્યા@મોડાસા: 2 ઈજનેરોના કથિત કૌભાંડમાં ઘરના ભૂવા ને ઘરના ડાકલાં?? એજન્સીઓની તપાસ જરૂરી

 
Modasa
ગાંધીનગરથી તટસ્થ તપાસ ટીમ ગોઠવાય તો સરકારના હિતમાં મોટું મળી આવી શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


મોડાસા સબ ડિવિઝન માર્ગ અને મકાન સ્ટેટની કચેરીમાં વર્ષોથી સત્તાધિશ એવા ડેપ્યુટી ઈજનેર દેવાંગ પટેલ અને મદદનીશ ઈજનેર વિરલ પટેલની જોડી વિરુદ્ધ ભ્રષ્ટાચારના સનસનીખેજ આરોપ છે. મૃદુ અને પ્રામાણિક કાર્યપાલક ઇજનેર તપાસ કરી રહ્યા છે પરંતુ એક ચોંકાવનારી વિગતો ફરિયાદમાં રજૂ થઈ છે કે, એજન્સીઓ માનીતાઓની સેટ કરી કરોડોના કૌભાંડને અંજામ આપતાં હતા. ઘરના ભૂવા ને ઘરના ડાકલાં કહેવતની જેમ એજન્સી પૂર્વ આયોજિત સેટિંગ્સ કરી, બોગસ બીલો મૂકી, જાણવા છતાં સરકારના નાણાંને અહિત કરી/કરાવી અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો પણ સણસણતો આક્ષેપ અરજદારે કર્યો છે. આથી દાહોદ મનરેગા કૌભાંડની જેમ એજન્સીઓ વિરુદ્ધ પણ તત્કાલ તપાસ જરૂરી હોવાનો આ સ્પેશ્યલ રિપોર્ટ.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની મુખ્ય કચેરીને બરોબર બાજુમાં સબ ડિવિઝન ઓફિસ આવેલી છે. અરજદારના આક્ષેપ મુજબ અહીંથી જ એજન્સીઓ સેટ થતી કાગળો બનતાં અને બોગસ બીલોની સમગ્ર મોડસ ઓપરેન્ડી ચાલતી હોવાનો આક્ષેપ નાનો નથી. જો આક્ષેપમાં એક ટકો પણ તથ્ય આવે તો તમે કલ્પના કરો કે, કાર્યપાલક ઇજનેર કે તેમની ટીમને ભનક પણ આવવા ના દીધી? તમે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના માત્ર દરવાજા પાસે પહોંચો એટલે ત્રણથી ચાર માણસો આવી જાય અને અજાણ્યા હોય તેઓની પહેલાં વિગતો મેળવે છે. અહિં આ વિગતોનો ઉલ્લેખ એટલા માટે કે, આક્ષેપમાં જણાવ્યા મુજબ, એજન્સીઓ કેવીરીતે, કોની અને કયા કામમાં સેટ કરવી તે નક્કી થતું હતુ. આટલુ જ નહિ કચેરીના સત્તાધિશ મોટાભાગનુ કામ તાબા હેઠળના માણસો મારફતે કરાવી પોતે મોટાભાગનો સમય બાજુમાં જ આવેલ સર્કિટ હાઉસમાં આરામ ફરમાવતા રહેતા. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, એજન્સીઓ સેટ થઇ શકે? ટેન્ડર થતાં હતા? જો થતાં હતાં તો પારદર્શકતા હતી? સરકારનું હિત જોવાતું? વાંચો નીચેના ફકરામાં


સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડાસા નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઈજનેર ઘણાં વર્ષોથી અહિં સત્તાધિશ જેવી ફરજમાં રહ્યા અને જાણે સ્વતંત્ર હવાલો જેવી સત્તા ઉઠાવતાં હોઈ માર્ગ મકાનના તમામ કામોમાં પકડ આવી હતી. અરજદારના જણાવ્યા મુજબ, પારદર્શક ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે મનસ્વી એજન્સીઓને ઈરાદાપૂર્વક કામ આપી સરકારને સરેરાશ 25 કરોડથી વધુની નુકસાની આપી છે. આ આક્ષેપ નાનો નથી એટલે જો કાર્યપાલક ઇજનેર ચૌધરી કામ અને બીલોની ચકાસણી કરતાં હોય તો એજન્સી અને ઠેકો આપવાની પ્રક્રિયાની ગાંધીનગરથી તપાસ કેમ નહિ? જાણકારોના મતે, જેવીરીતે દાદાની મૃદુ સરકારે દાહોદ મનરેગામાં એજન્સીઓ વિરુદ્ધ તપાસ કરી તેવી રીતે જો મોડાસા સબ ડિવિઝન માર્ગ મકાનના તમામ કામોમાં એજન્સીઓની ગાંધીનગરથી તટસ્થ તપાસ ટીમ ગોઠવાય તો સરકારના હિતમાં મોટું મળી આવી શકે છે. વધુ આગામી ન્યૂઝ રીપોર્ટમાં.