આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા

ગુજરાતમાં ચાણસ્મા પંથકમાં એક એવું ગામ આવ્યુ છે કે, ઘર-ઘર સુધી બ્લોક પાથરી ધુળથી મુક્તિ અપાઇ રહી છે. ગામના પાટીદાર આગેવાને બે મહિના અગાઉ એક વિચાર દ્વારા બીડું ઝડપી મિશન ઉપાડ્યું છે. ગામના પ્રવેશદ્વારથી લઇ એક-એક મહોલ્લો ફરી જુઓ તો ક્યાંય પણ ધુળ, ગારો કે માટી જોવા મળતી નથી. આખા ગામમાં હાઇટેક લાઇટીંગ, ગટર વ્યવસ્થા અને લીલોતરી જોતા મહાનગરને ટક્કર આપતુ હોય તેમ લાગે છે.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાનું રૂપપુર ગામ ગુજરાતનું એકમાત્ર ધુળ વગરનું ગામડું બનવા જઇ રહ્યું છે. છેલ્લા ૬૦ દિવસથી આખા ગામમાં લોકોના ઘર સુધી પેવર બ્લોક પાથરવામાં આવી રહ્યા છે. ગામના પ્રવેશદ્વારથી શરૂ કરીને નાનામાં નાના મહોલ્લા, શેરી સુધી સિમેન્ટના બ્લોક પાથરી ધુળ અને માટી ઢાંકી દેવામાં આવી રહી છે. અડધી રાત્રે પણ મુંબઇના જુહુ બીચની જેમ આધુનિક લાઇટીંગ વ્યવસ્થા તૈયાર કરાઇ છે.

ગામમાં છેલ્લા કેટલાક વર્ષો અગાઉ આધુનિક ગટર વ્યવસ્થા ઉભી કરી હોવાથી ચોમાસાનું પાણી ભરાતુ નથી. આથી ગામમાં બારેમાસ ક્યાંય પણ ગંદકી થતી નથી. આધુનિકતા સાથે કુદરતી વાતાવરણ બની રહે તે માટે વૃક્ષ વાવેતર કરવામાં આવ્યુ છે. વૃક્ષ કુદરતી આપત્તિ સામે ટકી રહે તે માટે થડની આજુબાજુ મોટો ઓટલો બનાવી દીધો છે. જેનાથી વૃક્ષની સુરક્ષા સાથે સિનિયર સિટીઝનને બેસવાની સગવડ મળી છે.

અટલ સમાચાર દ્વારા ગામની મુલાકાત લઇ સરપંચ અને આગેવાનો સાથે ચર્ચા કરતા ગામની કાયાપલટ થયાનુ સામે આવ્યુ છે. મૂળ રૂપપુર ગામના પ્રહલાદભાઇ શિવરામદાસ પટેલે આખા ગામને ધૂળ વગરનું બનાવી પેવર બ્લોક પાથરવાનું કામ હાથ ધર્યુ છે. જેમાં તેઓ વ્યકિતગત રસ લઇ વિશેષ કારીગરની ટીમ બોલાવી યુધ્ધના ધોરણે પેવર બ્લોક પાથરી રહ્યા છે.

સરેરાશ દોઢથી બે કરોડનો ખર્ચ થશે

આખા ગામમાં પેવર બ્લોક, લાઇટીંગ, વૃક્ષ વાવેતર અને તે સિવાય સ્માર્ટ વિલેજ બનાવવા માટે જરૂરી કામ થઇ રહ્યા છે. જેના માટે સરેરાશ દોઢથી બે કરોડનો ખર્ચ પ્રહલાદ પટેલ દ્વારા થઇ રહ્યો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરકારની સ્માર્ટ વિલેજ યોજના હેઠળ ઉત્તર ગુજરાતનું કોઇ ગામ બને તે પહેલા ચાણસ્મા નજીકનું રૂપપુર આગામી એક મહિનામાં સ્માર્ટ બની જશે.

આખા ગામની કાયાપલટ કરનાર કોણ છે પ્રહલાદભાઇ પટેલ (P.S.P.) ?

રૂપપુર ગામના અને હાલ અમદાવાદ રહેતા પ્રહલાદભાઇ પટેલ મોટા ગજાના કોન્ટ્રાક્ટર છે. ખુબ જ ટુંકા ગાળામાં પીએસપી પ્રોજેક્ટ્સ લી. નામની કંપની ઉભી કરી અત્યાર સુધી અનેક હાઇટેક બિલ્ડીંગ બનાવી ચુક્યા છે. ગુજરાત વિધાનસભા, સ્વર્ણિમ સંકુલ, કેડીલા અને ઝાયડસ હોસ્પિટલ સહિતની બિલ્ડીંગો બનાવી ચુક્યા છે. આ સાથે હાલમાં સુરત શહેરમાં હાઇટેક ડાયમંડ હબ પણ બનાવી રહ્યા છે.

પી.એસ.પટેલ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડના સીએમડી અને સીઇઓ છે. તેઓ બાંધકામના વ્યવસાયમાં 30 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. ખેડૂત કુટુંબમાં જન્મ થયા બાદ તેમણે પોતે જ પીએસપી પ્રોજેક્ટનું નિર્માણ કરેલ છે. શરૂઆતમાં એન્જીનીયર તરીકે જોડાયા અને સખત પરિશ્રમ અને ટેક્નો-કોમર્શિયલ સ્કીલને કારણે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનમાંથી વર્ષ 2006માં છુટા થયા ત્યારે તે કંપનીનો 40% માલિકી હિસ્સો પણ ધરાવતા હતા.

શું કહે છે ગામના સરપંચ ?

રૂપપુર ગામના મહિલા સરપંચ મધુબેન પ્રવિણચંદ્ર મહેતાએ જણાવ્યુ હતુ કે, ગામ પ્રત્યે પ્રહલાદભાઇ પટેલનો અનહદ પ્રેમ છે. આથી તેઓ ગામને આધુનિક અને વિકાસશીલ બનાવવા છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે. જેનાથી ગ્રામજનો અત્યંત ખુશ છે.

પ્રહલાદભાઇ પટેલ સાથે ચર્ચા

સમગ્ર બાબતે પ્રહલાદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, બેચરાજી નજીકથી પસાર થતા એક દ્રશ્ય જોઇ વિચાર આવ્યો કે, મારા ગામમાં પણ પેવર બ્લોક પાથરી દઉં. આથી છેલ્લા બે મહિનાથી કામગીરી ચાલુ હોવાથી આગામી એક મહિનામાં પુર્ણ થઇ જશે. રૂપપુર ગામ આખા ગુજરાતમાં એકમાત્ર ડસ્ટ ફ્રી ગામ બની જશે.

નિરમાના કરશનભાઇ પટેલનું ગામ છે રૂપપુર

ચાણસ્માની એકદમ નજીક આવેલુ રૂપપુર ગામે મોટા ઉદ્યોગપતિઓ આપ્યા છે. નિરમા યુનિવર્સિટીના કરશનભાઇ પટેલ મૂળ રૂપપુર ગામના હોવાથી તેમણે પણ વિકાસ કામો કર્યા છે. ગામની બાજુમાં આવેલું તળાવ પાટણના ગુંગળી તળાવને પણ ટક્કર આપતુ બનાવ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code