સ્પેશ્યલ@મહેસાણા: એક્ષપાયરી તારીખના કરોડોના દૂધ પાઉડરના વહીવટમાં ફુડ ઓથોરિટીની ભૂમિકા ક્યાં? સત્તાધિશો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
મહેસાણા દૂધસાગર ડેરી પાસે કરોડોની કિંમતનો સ્કિમ્ડ મિલ્ક પાવડરનો જથ્થો એક્ષપાયર થયો છે ત્યારે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ બાબતે ચેરમેન અશોક ચૌધરીએ સેમ્પલિંગ કરાવવાની અને યોગ્ય જણાય તો વધુ એક વર્ષ ઉપયોગની વાત રજૂ કરી પરંતુ અહિં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભૂમિકા ક્યાં અથવા ભૂમિકા શું તે સૌથી મોટો સવાલ છે. શું દૂધસાગર ડેરીના સત્તાધિશો સેમ્પલ કરાવતાં પહેલાં ફુડ ઓથોરિટીને બોલાવશે ? તમામ જથ્થો ફુડ ઓથોરિટીને ધ્યાને મૂકી સેમ્પલિંગની જોગવાઈઓ અને પછી ઉપયોગિતા ઉપર માર્ગદર્શન મેળવશે? શું સામે ચાલીને જનહિતમાં ફુડ ઓથોરિટી ના આવી શકે? જાણીએ દૂધસાગર ડેરીની એક્ષપાયરી ડેટ વાળા દૂધ પાઉડરના વહીવટમાં કેવી શક્યતાઓ/સત્તાઓ અને સામે ફુડ ઓથોરિટીની અતિ મહત્વની ભૂમિકા.
મહેસાણા ખાતે આવેલી અને સરેરાશ અઢી જિલ્લાને આવરી લેતી દૂધસાગર ડેરીના વહીવટ સામે અત્યારે સવાલોનો વરસાદ છે. હાલના નિયામક મંડળના શાસન પૂર્વે ઘીની પ્રતિષ્ઠા સામે સવાલો થયા હતા હવે સ્કિમ્ડ મિલ્ક પાવડરના એક્ષપાયરી ડેટ વાળા જથ્થા બાબતે વહીવટ અને શાખનો સવાલ આવી પડ્યો છે. સોમવારે બપોરે ચેરમેન અશોક ચૌધરીએ તો કરોડોના દૂધ પાઉડરના જથ્થાનું સેમ્પલિંગ કરાવી બરોબર જણાય તો પ્રોસેસિંગ કરી ઉપયોગમાં લેવાની વાત કરી દીધી. હવે આ તરફ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ હોવાથી અને પેકેજીંગ તેમજ લેબલિંગના નિયમો હોવાથી જોગવાઈઓ લાગૂ પડતી થઇ છે. કરોડોનો દૂધ પાઉડરનો જથ્થો પૈકી જેટલો જથ્થો એક્ષપાયર ડેટ પૂર્ણ થવા છતાં ઉપલબ્ધ પડ્યો છે તો અહિંથી જ ફુડ ઓથોરિટીની ભૂમિકા શરૂ ના થાય ? વાંચો નીચેના ફકરામાં સૌથી મોટી વાત.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્કિમ્ડ મિલ્ક પાવડરના પેકેટ ઉપર લખેલ વિગતો મુજબ દૂધ પાઉડરની સેલ્ફ લાઈફ 18 મહિના પૂર્ણ થઈ અને ઉપર બીજા 2 મહિના પસાર થયા. એક્ષપાયરી ડેટ વાળા દૂધના મોટા જથ્થાના બાબતે નિર્ણય સરેરાશ 30થી60 દિવસમાં થતો હોય છે. આ નિર્ણય ડેરી લે પરંતુ અહીં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ મુજબ અને સરકારના અન્ય નિયમો હેઠળ થાય. આ નિયમો અને જોગવાઈઓ છે તે હકીકત પરંતુ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ સ્કિમ્ડ મિલ્ક પાવડરનુ સેમ્પલિંગ કરાવવાની તૈયારી બતાવી છે ત્યારે સૌપ્રથમ તમામ એક્ષપાયરી ડેટ વાળો જથ્થો ફુડ ઓથોરિટીને ધ્યાને ના મૂકાય ? એક્ષપાયરી ડેટ પૂર્ણ થઈ હોય પછી શું ફુડ ઓથોરિટીની કોઈ ફરજ અથવા ભૂમિકા ના આવે ? શું ડેરીના સત્તાધિશો તાત્કાલિક અસરથી ફુડ ઓથોરિટીને ધ્યાને મૂકશે? સૌથી અગત્યનું વાંચો નીચેના ફકરામાં.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જોગવાઈઓ, નિયમો અને સત્તાઓ ખૂબ છે ત્યારે એક્ષપાયરી ડેટ વાળા કરોડોના દૂધ પાઉડરના જથ્થો કોઈ જગ્યાએ ઉપલબ્ધ હોય તો ફુડ ઓથોરિટીને જે તે સ્થળે જવાની અને તપાસની સત્તા છે. જો ડેરીના સત્તાધિશો સેમ્પલિંગ કરાવી યોગ્ય જણાતાં ઉપયોગમાં લે છે તો પણ ફુડ ઓથોરિટીને ધ્યાને મૂકવું જોઈએ તેમ કેન્દ્રના અધિકારી રાજકુમાર સાથે વાત કરતાં જણાયું છે. વધુમાં જોઈએ તો જો સેમ્પલ ચકાસ્યા પછી રીપોર્ટ બરોબર આવે તો નવુ પેકિંગ બનશે? શું નવી એક્ષપાયરી ડેટ લગાવવાની જોગવાઈ છે? આ બાબતે પણ ફુડ અધિકારી રાજકુમારે જણાવ્યું હતું કે, નવી એક્ષપાયરી ડેટ લગાવવાની કોઈ જોગવાઈ અમારે ધ્યાને નથી.