સ્પેશ્યલ@ગુજરાત: આલ્બમમાં કલાકારોનુ સ્વયંભૂ શોષણ? સિનિયર આર્ટિસ્ટમાં ચોંકાવનારી બૂમ

 
Gujrat
નવાઇની વાત એ કે, આલ્બમની કોઈ કંપની તરફથી કોઈ કોમેન્ટ નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાતી ફિલ્મ અને ગીતોના આલ્બમનો અત્યારે સુવર્ણયુગ છે કે પછી બેરોજગારીમાં કામ માટે પડાપડી છે? આ બાબતે ગંભીર સવાલો ઉભી કરતી બૂમરાણ અત્યારે સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. કલાકારી સાથે સંકળાયેલા કોઈએ લાંબા ફકરામાં ફેસબુક ઉપર કરેલી ચોંકાવનારી ડીબેટમા ધડાધડ કોમેન્ટ આવી રહી છે. જેમાં જણાવાયું છે કે, આર્ટીસ્ટ ખૂબ નજીવી રકમમાં કામ કરે છે અને આલ્બમ શુટ કરવાવાળી કંપની એક દિવસમાં 2 આલ્બમ કરાવી રહી છે. આવી સ્થિતિમાં કોઈ શોષણનો ભોગ ના બને અને એકીસાથે અવાજ ઉઠાવે તેવું આહવાન કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સમર્થન અને સલાહની ઢગલાબંધ કોમેન્ટ આવી હોવાથી ગુજરાતી ફિલ્મ અને આલ્બમની રૂપાળી દુનિયામાં કંઈક તો છે તેવો ઘટસ્ફોટ થાય છે. જાણીએ સમગ્ર અહેવાલ.

""આપણી ફિલ્મ લાઇનમાં ખબર નથી પડતી કે, કોઈ 10હજારમા તો કોઈ 5હજારમા કામ કરવા જાય છે તો વળી કોઈ 2500 સુધીમાં પણ કામ કરી લે છે, કેમ ગુલામીમાં પડ્યા છે, આટલી તકલીફ છે ? એક દિવસમાં 2 આલ્બમનુ શુટિંગ અને પેમેન્ટ 1 દિવસનું.""  આ શબ્દો સાથેની એક મોટી ચર્ચા ફેસબુક ઉપર જામી પડી છે. કોઈ આર્ટીસ્ટ અન્ય કલાકારોને જણાવે છે કે, પોતાનું શોષણ ના થવા દો, નજીવી રકમમાં કામ ના કરો, એક દિવસમાં એક જ આલ્બમમાં કામ કરો, એમ કહીને ફિલ્મી દુનિયામાં પોતાનો અવાજ ઉઠાવવા કહે છે. તો અહીં સવાલ થાય છે કે, ગુજરાતી ફિલ્મી દુનિયાનો અત્યારે ખૂબ સારો સમય છે તો પછી આવી બૂમરાણ કેમ ? શું ખરેખર શોષણ છે કે પછી સિનિયરોને મોંઘી ફી ના ચૂકવવા કંપનીવાળા નવા આર્ટીસ્ટને નજીવી રકમમાં કામ આપે છે? વાત આટલી નથી, કેમ કે, સિનિયરો હોય કે જુનિયરો પરંતુ આ ચર્ચામાં અનેક આર્ટીસ્ટ જે કોમેન્ટ કરે છે તેમાં બધાને એક થવા પણ આહવાન કરે છે. જોકે નવાઇની વાત એ કે, આલ્બમની કોઈ કંપની તરફથી કોઈ કોમેન્ટ નથી. વાંચો નીચેના ફકરામાં વધુ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક આર્ટીસ્ટ તો ત્યાં સુધી કહે છે કે, છોકરીઓનું શોષણ કરવાનું બંધ કરો અને બધા એકીસાથે એક જ દિવસમાં એક જ આલ્બમમાં કામ કરો. એટલે એવી સ્થિતિ છે કે, આલ્બમવાળા ઓછું મહેનતાણું આપી વધુ કામ લે છે ? આ ચર્ચાથી એક વાત પણ સામે આવી કે, હવે ગુજરાતી ફિલ્મી દુનિયામાં કલાકારોની ખોટ નથી અને નવા ઉભરતાં ચહેરા પણ આવી રહ્યા હોઈ ગ્લેમરસ દુનિયામાં પ્રવેશ આપવા ઘણાં નજીવી રકમમાં પણ કામ લેવા તલપાપડ છે. આ બાબતે જૂના આર્ટીસ્ટનો આ અવાજ હાલ ફેસબુક ઉપર નજીકનાં સમયમાં એક મંચ ઉપર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.