દેલવાડા ગ્રામપંચાયતઃ એક જ પરિવારના સભ્યો ઉમેદવાર તરીકે મેદાને, સાસુ વહુની સરપંચની ચૂંટણીમાં જાણો કોની જીત થઇ

ગ્રામ પંચાયતની અનેક બેઠકો મહિલા માટે અનામત છે, ત્યારે ગીર સોમનાથમાં સાસુ-વહુ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. પરંતુ આખરે વહુ આ જંગ જીતી ગઈ છે. આખરે પુત્રવધુ સામે સાસુની હાર થઈ છે. 
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક
 

ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીનું ગઈકાલે પરિણામ આવ્યુ હતું. કેટલાય એવા મતદાન મથક હતા જેમાં એક જ પરિવારના સદસ્યો ઉમેદવાર તરીકે મેદાને હતા. કેટલીય બેઠકોમાં આ પારિવારિક સભ્યો સામસામે જંગમાં છે. જોકે, ચૂંટણી જંગમાં પરિવારનો ગમે તે સભ્ય જીતે ઘી તો ખીચડીમાં જ ઢોળાશે. ગ્રામ પંચાયતની અનેક બેઠકો મહિલા માટે અનામત છે, ત્યારે ગીર સોમનાથમાં સાસુ-વહુ વચ્ચેનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. પરંતુ આખરે વહુ આ જંગ જીતી ગઈ છે. આખરે પુત્રવધુ સામે સાસુની હાર થઈ છે. 

ગીર સોમનાથની સૌથી મોટી ગ્રામપંચાયતના પરિણામ સામે આવ્યા છે. પરંતુ ઉનાના દેલવાડા ગ્રામપંચાયત પર સમગ્ર તાલુકાની નજર હતી. કારણ કે, અહી સરપંચ માટે સીધી જંગ વહુ સામે સાસુની હતી. દેલવાડા બેઠક પર ભાજપના જ એકબીજા જૂથ સામસામે હતા. વિધવા સાસુ સામે સરપંચ પદ માટે પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી હતી. 15 હજારથી વધુ વસ્તી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત, ગીર-સોમનાથ જિલ્લાની સૌથી મોટી પંચાયતોમાંની એક છે. આ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત હતી. તેથી માજી સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેમના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

વિધવા માતાની પેનલ સામે પુત્રએ સરપંચ પદ માટે પત્નીને મેદાનમાં ઉતાર્યા બાદ દેલવાડા વિસ્તારમાં આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી. ત્યારે વર્ચસ્વની આ લડાઈમાં કોણ જીતશે તેના પર લોકોની નજર ટકેલી હતી. પરંતુ આ ચૂંટણીમાં સાસુના ભાગે એકપણ સીટ આવી ન હતી. પુત્રવધુ પૂજાબેનની ટીમના 16 સભ્ય જીત્યા હતા, પરંતુ સાસુના ભાગે એકપણ સીટ આવી ન હતી. સરપંચની સીટમાં 1 હજાર ઉપરની લીડથી પુત્રવધુ પૂજાબેન વિજેતા બન્યા હતા.