રણનીતિ@પાટણ: કોરોનાને હરાવવા ડોર ટુ ડોર સર્વે-મેડીકલ કીટનું વિતરણ, આરોગ્ય તંત્ર ખડેપગે

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતાં ગામડાઓમાં કોરોના ફેલાતો અટકે અને શરૂઆતના તબક્કામાં જ દર્દીને યોગ્ય સારવાર મળી રહે એ માટે જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના માર્ગદર્શનમાં ગામોમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ માટે આહવાન કરવામાં આવ્યું છે. જેના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોના સંક્રમણની બીજી લહેરમાં પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં જયાં કોરોનાના દર્દીઓ સામે આવ્યા એ ગામોમાં તાત્કાલિક ધોરણે અધિકારીઓ અને આરોગ્ય વિભાગની ટીમ બનાવીને ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં કોરોના માટેનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું. ટેસ્ટીંગમાં પોઝીટીવ આવતા દર્દીઓ અને કોરોનાના હળવા લક્ષણો હોય એવા દર્દીઓને મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેના લીધે આ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ અસરકારક સારવાર મેળવીને સાજા થઇ જાય.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લાના તમામ તાલુકાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 40 ધન્વંતરી રથની ટીમો દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી. જેમાં કુલ 41190 જેટલા દર્દીઓની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી. જેમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને 8700 જેટલી મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું. દરેક ગામમાં મેડીકલ ઓફિસર અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દીઓની નિયમિત મુલાકાત લેવામાં આવી. શરૂઆતના તબક્કામાં વધુ પોઝીટીવિટી ધરાવતા 176 જેટલા ગામો પર ધ્યાન કેન્દ્રિત કરીને સર્વેલન્સ અને સારવારની કામગીરી કરવામાં આવી. જે ગામોમાં કોરોનાના દર્દીઓ નોંધાય હોય ત્યાં લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સતત પાંચ દિવસ સુધી 14.48 લાખ જેટલા આયુર્વેદિક ઉકાળાના ડોઝનું વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી.
આ સાથે મોટાભાગના ગામોએ વહીવટીતંત્રને સાથ સહકાર આપીને ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરી કોરોના સામે મક્કમ લડત આપી. હાલમાં પાટણ જિલ્લાના ગામોમાં 445 જેટલા કોવિડ કેર સેન્ટરમાં 2911 જેટલા બેડની વ્યવસ્થા કોરોનાના દર્દીઓ માટે કરવામાં આવી છે. જયાં સારવાર લઇને દર્દીઓ સ્થસ્થ થઇ શકશે. આગામી દિવસોમાં પણ ગામોમાં આજ રીતે 15 દિવસ સુધી સતત મોનિટરીંગ અને સર્વેલન્સ કરીને દવાઓની કીટનું વિતરણ કરી દર્દીઓને સાજા કરવાની વ્યૂહરચના અપનાવવામાં આવશે. જે ગામોમાં કોરોનાનો પોઝીટીવીટી રેટ વધુ છે ત્યાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારીઓ તથા આરોગ્ય વિભાગની ટીમ રૂબરૂ મુલાકાત લઇ ગ્રામજનોને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટે તથા શંકાસ્પદ દર્દીઓને ત્વરિત સારવાર લેવા માટે અનુરોધ કરે છે.