સુઇગામ: આંતરરાષ્ટ્રીય બોર્ડર સહિત વાવ વિસ્તારમાં હાઇએલર્ટ

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)
પુલવામાના આંતકી હુમલા પછી ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને ત્યાં આંતકીવાદીઓના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેનાથી ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ પોતાની હરકતોથી બાજ ના આવતા પાકીસ્તાન વિમાનોએ બુધવારે ભારતમાં ઘુસવાની નિષ્ફળ કોશિષ કરી હતી. જોકે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પાકીસ્તાની વિમાન પરત ફર્યા હતા. જેના કારણે જમ્મુ કાશ્મીરના ૪ એરપોર્ટ હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર સુઇગામ સહિત વાવ અને પાકીસ્તાની સરહદ સાથે જોડાયેલા તમામ વિસ્તારોને અત્યારે હાઇએલર્ટ જાહેર કરાયા છે. ભારતીય સેના હાલ આ તમામ વિસ્તારો પર ચાંપતી નજર રાખી રહી છે. મહત્વનું છે કે, સુરક્ષાના ભાગરૂપે નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી પણ અટકાવી દઇ સીમાદર્શન પણ બંધ કરી દેવાઇ છે. સાથે આ વિસ્તારમાં કામ કરતા મજુરોને સરહદિ વિસ્તારમાંથી હટાવી દેવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.