આશ્ચર્ય@સ્પોર્ટ્સ: ઓથોરિટીમાં કોચને આપેલ વહીવટી અધિકારીના ચાર્જ સામે ગંભીર સવાલો, ડીજીએ કહી મોટી વાત

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત બન્યું ત્યારથી રમતગમત ઉપર ખૂબ ધ્યાન વધ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટીની અગત્યની પોસ્ટ ચાર્જ ઉપર હોઈ અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને મૂળ સિનિયર કોચ એટલે કે ડિસ્ટ્રીક્ટ કોચની ફરજ બજાવતા હોય તેને આખાય રાજ્યના મુખ્ય કોચની જવાબદારી અપાય પરંતુ ઓથોરિટીની અત્યંત મહત્વપૂર્ણ પોસ્ટનો ચાર્જ ઘણા સમયથી આપ્યા બાબતે મોટો ગણગણાટ શરૂ થયો છે. સિનિયર કોચને શું વહીવટી અધિકારીનો ચાર્જ મળી શકે ? આ સવાલ કર્મચારીઓમાં ચર્ચાસ્પદ બન્યો હોઈ ડીજીને જણાવ્યું છે. વહીવટી અઘિકારીનો ચાર્જ આપ્યો તે બરાબર છે કે કેમ તેમ પૂછતાં ડીજી સંદીપ સાંગલેએ તપાસી લેવાની ખાતરી આપી હતી. વાંચો સ્પેશ્યલ રિપોર્ટ.
રાજ્યના રમતગમત વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કાર્યરત છે અને આ ઓથોરિટીના અધ્યક્ષ ખુદ રમતગમત મંત્રી છે. જેમાં એક આઇએએસ ડીજીની જવાબદારી સંભાળે છે અને એક જીએએસ સચિવ તરીકે સેવા આપે છે જ્યારે આ બંને સાથે બીજી એક અગત્યની પોસ્ટ છે વહીવટી અધિકારીની. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ વહીવટી અધિકારીનો ચાર્જ સિનિયર કોચ અને ઇન્ચાર્જ ચીફ કોચ બારીયાને આપેલ છે. હવે અહિં સૌથી મોટો સવાલ ત્યારે થયો જ્યારે ખુદ કર્મચારી આલમમાં ગણગણાટ છે કે, મૂળ સિનિયરને શું વહીવટી અઘિકારીનો ચાર્જ મળી શકે? વહીવટી અઘિકારીની પોસ્ટ હકીકતમાં ડીજી અને સચિવને મદદરૂપ તેમજ ક્લાસ ટુ જેટલી અથવા સંભવતઃ તેનાથી વધુ મહત્વની કહો તો પણ નવાઇ નથી. વાંચો નીચેના ફકરામાં ડીજીને મળેલી બબ્બે રજૂઆત બાદ શું કહ્યું સાંગલેએ.
મૂળ સિનિયર કોચ(ડિસ્ટ્રીક્ટ કોચ)ની પોસ્ટ ધરાવતાં કર્મચારીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વહીવટી અધિકારીનો ચાર્જ ઉપર જિલ્લા રમતગમત સ્તરે પણ ઓછી ચર્ચા નથી. આથી આ બાબતે ડીજી સંદીપ સાંગલેને યોગ્ય છે કે કેમ ! અથવા યોગ્ય ના હોય તો ચકાસી લેવા ધ્યાને મૂકવામાં આવ્યું હતુ. જેથી ડીજી સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે, અગાઉથી ચાર્જ આપેલ હોઇ જોઈ ચકાસી લીધા બાદ જણાવી શકાય. જોકે અહિં સૌથી મોટો સવાલ થાય કે, મૂળ સિનિયર કોચ બની જાય ઇન્ચાર્જ ચીફ કોચ અને પછી બની જાય ઇન્ચાર્જ વહીવટી અધિકારી તો આ ચાર્જ બાબતે વાચકો તમે શું વિચારો છો અથવા તમે સરકારના હિતમાં શું જણાવી શકો તેનો અભિપ્રાય આપી શકો છો જેથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ વિગતો આપી શકીએ.