આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, સુઇગામ

રણની કાંધીને અડીને આવેલ  પાડણનું મૂળેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. 1 હજાર વર્ષ પહેલાં રાજા મૂળરાજ સોલંકીએ આ મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોવાને કારણે મૂળેશ્વર મહાદેવ નામ પડ્યું હતું. સુઇગામ તાલુકાના છેવાડાના રણની કાંધીને અડીને આવેલ પાડણ ગામ નજીક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મૂળેશ્વર મહાદેવનું મંદિર પાટણપતિ રાજા મૂળરાજ સોલંકીએ 1 હજાર વર્ષ પહેલાં બંધાવેલ અને પ્રતિષ્ઠિત કરેલ હોવાની માન્યતા છે, જ્યાં તમામ સમાજના લોકો ભગવાન શિવનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે, અને આસ્થાથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે, સુઇગામ તાલુકાના ભારત-પાક, બોર્ડર નજીક છેવાડાના રણની કાંધીને અડીને આવેલ પાડણ ગામથી પશ્ચિમમાં તળાવ કિનારે ઐતિહાસિક મૂળેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે.

આ મંદિર દસમા સૈકામાં મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હોવાનું કહેવાય છે. લોક માન્યતા મુજબ અહીં વિશાળ ઝાડી જંગલ હોઈ આજુ બાજુના ગામના માલધારી પશુપાલકો પોતાના ગાય ભેંસોને ચરવા માટે છૂટી મૂકી દેતા, એમાં છૂટી ફરીને ચરતી ગાયો પૈકી એક ગાયનું દૂધ દરરોજ કોઈ દોહી જતું હોવાથી એક વખત ગોવાળે ગાયનો ચોરી છુપીથી પીછો કરેલ, તે સમયે ગાયના આંચળ માંથી જમીન પર દૂધની સેરો છૂટી જોઈ ગોવાળ હેરત પામી ગયેલ, જે ઘટના બીજા દિવસે પણ બની, આ આશ્ચર્યજનક ઘટના અંગેની વાત ગોવાળે ગામમાં જઇ કરતાં બુદ્ધિજીવી માણસોએ વિચાર્યું કે નક્કી એ જગ્યા પર શિવલિંગ હોવું જોઈએ. આ વાત ગામમાં ફેલાતાં ગામલોકોએ તે સ્થળે જઈ ખોદતાં 7 ફૂટ નીચેથી સ્વયંભુ શિવલિંગ નીકળ્યું, આ અંગેની વાત પાટણ નરેશ મૂળરાજ સોલંકીને થતા તેમણે પાડણની મુલાકાત લઈ ત્યાં વિશાળ શિવાલય બનાવડાવ્યું, અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરાવતાં શિવાલય મૂળેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધિ પામ્યું.

કહેવાય છે કે સુઇગામના રાજાના વહીવટદારોના ત્રાસથી પીડિત પાડણના રાજા પટેલ નામના ખેડૂતે અહીં કમળપુજા કરતાં આગલા જન્મે સુઇગામના રાજ ઘરાનામાં તેમનો જન્મ થયેલો, અગિયાર વર્ષે પોતાના પૂર્વ જન્મની નિશાનીઓ બહાર કાઢી પ્રમાણ પણ આપેલ, જેઓ રાયસિંગજી ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા અને આજીવન દરરોજ મૂળેશ્વર મહાદેવની પૂજા કરી હતી. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મૂળેશ્વર મહાદેવનું મંદિર પણ વિધર્મીઓના આક્રમણનું ભોગ બન્યું હતું, પરંતુ કહેવાય છે કે, વિધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલાં પાડા નું રૂપ ધારણ કરી વિધર્મી સૈનિકોનો ખાત્મો બોલાવી સૈન્યને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી. ત્યારથી ગામનું નામ પાડણ પડ્યું હોવાની માન્યતા છે, શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ મૂળેશ્વર મહાદેવના અનેક પરચા છે, થોડા વર્ષ પહેલાં મંદિરના કલરકામ માટે મંદિર પર ચડેલો એક વ્યક્તિ મંદિર પરથી પડી ગયો હોવા છતાં તેને કોઈ જ ઇજા નહોતી પહોંચી.

સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર સોમવારે ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને યથા શક્તિ પૂજા કરે છે, અહીં માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર પુરી કરે છે, તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે, મહાશિવરાત્રીએ અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમ રખાય છે, ઉપરાંત મહાશિવરાત્રીમાં દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે. જ્યાં તમામ સમાજના લોકો મૂળેશ્વર મહાદેવના દર્શન કરી મેળાની મોજ લે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code