વડગામના હડમતિયામાં સ્વાઇન ફલુથી યુવકનુ મોતઃઆખરે આરોગ્યતંત્ર હરકતમાં
વડગામના હડમતિયામાં સ્વાઇન ફલુથી યુવકનુ મોતઃઆખરે આરોગ્યતંત્ર હરકતમાં

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના હડમતીયા ગામના અબ્દુલખાન સિપાઇને ઉ.વ 35 છેલ્લા ત્રણ-ચાર દિવસથી શરદી, ખાંસી અને તાવ આવતા તેઓએ સારવાર કરાવવા છતા ફરક ન પડતા છેવટે ધારપુર ખાતે વધુ સારવાર માટે લઇ જવાયાે હતાે. જ્યાં આ યુવકનુ સારવાર દરમિયાન રવિવારના કરુણ મોત નિપજ્યુ હતુ. સોમવારે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યુ હતુ. વડગામ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ.વિક્રમદાન ગઢવીનો ફોન ઉપર સંપર્ક કરતા ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હતી. જ્યારે મંગળવારે મોડે-મોડે આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું હતું.

બનાવ સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તાલુકાના હડમતીયા ગામમાં એક યુવકનુ સ્વાઇન ફ્લુ થી મોત થતા સ્થાનિક આરોગ્ય તંત્ર આખરે હરકત મા આવી ગયુ છે.

આશા વર્કર તેમજ હેલ્થ વર્કર દ્રારા સર્વે હાથ ધરી ગામના 15 લોકોને સામાન્ય તાવ, શરદી, ખાસી હોવાનુ જાણવા મળ્યુ હતુ. જલોતરા પીએચસી નિમિકા પટેલે જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો રિપોર્ટ પોઝીટીવ હોવાથી તેના સંપર્કમા આવેલા 9 જેટલા લોકોને ટેમીફ્લુ ગોળી આપવામા આવી છે. હાલ તો પંથકમાં સ્વાઇન ફલુએ દેખા દેતા ગ્રામજનો ભયભીત બન્યા છે. અને સામાન્ય તાવ, શરદી જણાતા તુરંત જ સારવાર માટે દોડી રહ્યા છે.