ટેન્ડર@છોટાઉદેપુર: પશુપાલન કચેરીની દોઢ કરોડની ખરીદીમાં એજન્સીઓના સેટિંગ્સને લીલીઝંડી, મદદગારી જાણો

 
છોટા ઉદેપુર
પારદર્શક સ્પર્ધા કરાવવા ટેન્ડર કર્યું તો એજન્સીઓ વચ્ચે મિલીભગત કેમ થઈ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા હમણાં હમણાં ચાલી રહેલી ખરીદીમાં ભ્રષ્ટાચારની દુર્ગંધમાં વધારો થતો જાય છે. અગાઉની ખરીદી બાદ વધુ 2 ટેન્ડર હેઠળ રૂ.1.5 કરોડથી વધુની ખરીદી ઓનલાઇન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી કરી તેમાં પણ એજન્સીઓના સેટિંગ્સનો ઘટસ્ફોટ થાય છે. ટેકનિકલ ચકાસણી બાદ જે ત્રણ એજન્સીઓ વચ્ચે આર.એ થયું તેમાં 2 એજન્સીઓએ રિંગ કરી એલ1ને કોઈપણ હરિફાઈ નહિ કરવા મદદગારી કરી છે. આ રીતસર દેખાતું હોવા છતાં ખરીદનાર એવા નાયબ નિયામક પશુપાલનને બધું બરાબર જણાય છે અને આખરે એકમાં રૂ.38 હજાર અને બીજામાં રૂ.32960 જેટલા રેટ ડાઉનને મંજૂરી આપી વર્ક ઓર્ડર થાય છે. જાણીએ સમગ્ર અહેવાલ.

છોટાઉદેપુર જિલ્લા પંચાયતની નાયબ પશુપાલન નિયામક કચેરી દ્વારા મિનરલ મિક્ક્ષર કેટેગરીમાં પશુઓ માટેની કેટલીક ચીજવસ્તુઓ ખરીદવા ટેન્ડર થયા છે. એક ટેન્ડર નં. GEM/2026/B/7388033 થી સરેરાશ રૂ.72,33,333ની બીડ વેલ્યુથી ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 6 એજન્સીઓ પૈકી 3 એજન્સીઓને ડોક્યુમેન્ટમા યોગ્ય ગણી ફાયનાન્સિયલ ઓક્શનમા લવાય છે ત્યારે એલ3 એજન્સી 75 લાખથી વધુ અને એલ2 રૂ. 72.96 ભાવ ઓફર કરે છે. એટલે કે બંને એજન્સીએ જાણી જોઈને રિવર્સ ઓક્શનમા સ્પર્ધા નહિ કરી એલ1 એજન્સીને મદદગારી કરી છે. જ્યારે બીજા એક મિનરલ મિક્ક્ષર નામે ટેન્ડર નં.GEM/2026/B/7388148 માં બીડ વેલ્યુ રૂ. 82,40,000થી ખરીદી થાય છે ત્યારે રિવર્સ ઓક્શન જાણે દેખાડો કરવા પૂરતું થયું છે. વાંચો નીચેના ફકરામાં.


નાયબ પશુપાલન નિયામકના GEM/2026/B/7388148 આ ટેન્ડરમા એલ2 અને એલ3 એજન્સીએ જાણીજોઈને ઈરાદાપૂર્વક સ્પર્ધા જ ના કરી અથવા ના થવા રણનીતિ ગોઠવી ત્યારે ખરીદનારે પણ યોગ્ય ગણી બીડ વેલ્યુ રૂ. 82.40 લાખ સામે રૂ. 82,07,040 લાખનો ભાવ મંજૂર રાખી લીલીઝંડી આપી છે. સૌથી મોટો સવાલ થાય કે, નાયબ પશુપાલન નિયામકે ખૂબ આશાથી જો પારદર્શક સ્પર્ધા કરાવવા ટેન્ડર કર્યું તો એજન્સીઓ વચ્ચે મિલીભગત કેમ થઈ? તંદુરસ્ત હરિફાઈ થઈ શકતી હતી અને ભાવ ડાઉન થઈ શકે તેવું માર્કેટ છતાં એજન્સીઓના નાટ્યાત્મક ભાવ ઓફરની નિયામકને કેમ ભનક પણ ના લાગી? સમગ્ર મામલે પ્રામાણિક આઇએએસ ઓફિસર એવા છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીને પૂછતાં જણાવ્યું કે, વિગતો આધારે તપાસ કરી નિયમોનુસાર કામગીરી કરીશું.