murder
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કરબટિયા ગામની મહિલાએ પ્રેમીને પામવા પ્રેમી સાથે મળી પીંપળદર ગામની મહિલાની હત્યા કર્યા બાદ પોતાના કપડાં, ઘરેણાં, પગરખાં પહેરાવી લાશ રોડ પર ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. પહેલેથી જ શંકાના ઘેરામાં રહેલી ગુમ મહિલા વડનગર સિવિલમાં સારવાર માટે પહોંચતાં જ પોલીસે પકડી હાથ ધરેલી ઉલટ તપાસમાં તેણીએ હત્યાની કબુલાત કરી લીધી હતી. જેને પગલે પોલીસે મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

પૂર્વ પ્લાન મુજબ ગત 28 એપ્રિલે મનિષા કેટરિંગના કામે જવાનું કહી કાંતાબેનને પોતાની સાથે રિક્ષામાં કાંસા તેના પિયર લઇ ગઇ હતી. અહીં કપડાં લઇને કાંસા ચોકડી પર અગાઉથી ઉભેલા અશોકસિંહના બાઇક પર ત્રણ સવારીમાં કરબટિયા ગામની સીમમાં ગયા હતા. અહીં કાંતાબેનના માથામાં પાવડાના 3 ઘા મારી હત્યા બાદ મનિષાએ સાથે લાવેલાં કપડાં, ઘરેણાં લાશને પહેરાવી પોતાનો મોબાઇલ અને પાકીટ સાથે તેને પ્લાસ્ટીકની કોથળીમાં નાખી ઢસડીને દૂર લઇ ગયા હતા. જ્યાં અશોકસિંહે મૃતકના શરીર પર ટ્રેકટર ફેરવી ચહેરો છુંદી નાખી લાશ ફરી કોથળીમાં ભરી બાઇક પર કરબટિયા નજીક હાઇવે પર છુટ્ટી ફેંકી અકસ્માતનો માહોલ ઉભો કર્યો હતો.

ફિલ્મી કહાની જેવી આ ઘટનાની વિગત અનુસાર વડનગરના કરબટીયા નજીકથી ગત 28 એપ્રિલે સાંજે મોઢું છુંદાયેલી મહિલાની લાશ મળી હતી. વાહનની ટક્કરે મહિલાનું મોત થયાનો ગુનો નોંધનાર વડનગર પોલીસે શંકાના આધારે પેનલ તબીબની મદદથી પીએમ કરાવ્યું હતું. જ્યારે લાશ પાસેથી મળેલા પાકીટમાંથી કરબટિયા ગામની મનિષા ગોવિંદજી રાજપુતના નામનું આધારકાર્ડ નીકળતા પોલીસે તેના પતિ અને પુત્રને ઓળખ માટે બોલાવ્યા હતા. જેમણે લાશ મનિષાની હોવાનો ઇન્કાર કર્યો હતો. પ્રથમથી શંકાના દાયરામાં રહેલી અને છેલ્લા કેટલાક દિવસોથી ઘરેથી ગુમ મનિષા એકાએક વડનગર સિવિલમાં સારવાર માટે જતાં પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોતે ભાગી પડી હતી અને જણાવ્યું કે, કરબટિયા ગામના જ પ્રેમી અશોકસિંહ છગુજી રાજપુત સાથે મળી બાજુના પીંપળદર ગામની કાન્તાબેન જયંતીભાઇ પટેલ નામની મહિલાની હત્યા બાદ લાશ ઉપર ટ્રેકટરનું ટાયર ફેરવી અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરતાં પોલીસે મનિષા અને તેના પ્રેમી અશોકસિંહની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

હાથના છુંદણા અને ઓપરેશનના નિશાનથી મૃતક અન્ય કોઈ હોવાનું જણાઈ આવ્યું

લાશની ઓળખ માટે પહોંચેલા મનિષાના પતિ ગોવિંદજીએ મૃતકના શરીર પરના કપડા, પાકિટ, મંગળસૂત્ર, પગરખાં વગેરે મનીષાના છે, પરંતુ મનીષાના જમણા હાથમાં ઓમનું છુંદણું અને ઓપરેશનનું નિશાન છે, જે આ લાશ પર ન હોઇ લાશ અન્ય મહિલાનું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસને મનિષા પરની શંકા વધુ પ્રબળ બની હતી. અંતે પોલીસે પકડી લીધી.

12 વર્ષથી પ્રેમસંબંધ હતો

કાંસા ગામે પિયર ધરાવતી મનિષા અવાર નવાર અશોકસિંહને મળતી હોઇ પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રથમ પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન કરનારી પત્ની પણ ભાગી જતાં અશોકસિંહે મનીષા સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે અશોકસિંહ સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં પતિ સાથે થતા ઝઘડા વચ્ચે મનીષાએ પ્રેમી સાથે મળી આ પ્લાન બનાવ્યો હતો.

3 માસ પહેલાં પ્લાન બનાવ્યો

અશોકસિંહના તબેલામાં કામ કરતા પીંપળદરના જયંતીભાઇ પટેલ પાસે પૈસા લેવા ગયેલી તેની પત્ની કાન્તાબેન મનિષા જેવી જ દેખાતી હોઇ 3 મહિના પહેલાં તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. કાન્તાબેન કેટરિંગના વ્યવસાયમાં હોઇ મોટે ભાગે બહાર રહેતી હોવાની સાથે તેમની બે પુત્રીઓ પરણાવેલી હોઇ હત્યા કરવી સરળ બની હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code