મહેસાણા શહેરમાં કચરાનો પ્રશ્ન રાજકીય રીતે વધ્યોઃ વહિવટી રીતે હલ એક માત્ર ઉપાય?

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માંગણીઓને લઈ હડતાળ ઉપર ગયા છે. પાલિકાના કામદારો અચાનક આયાતી કામદારોની પડખે ઉભા થઈ જતા મામલો ગરમાયો છે. હકીકતે કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં ચુંટાયેલા નગરસેવકો અને સંગઠન વચ્ચે ઘમાસાણની સાઈડ ઈફેક્ટ આવી છે. કચરાનો પ્રશ્ન રાજકીય ઈશારાથી વધ્યો હોવાથી વહિવટી રીતે સમાધાનની નોબત આવી
 
મહેસાણા શહેરમાં કચરાનો પ્રશ્ન રાજકીય રીતે વધ્યોઃ વહિવટી રીતે હલ એક માત્ર ઉપાય?

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ માંગણીઓને લઈ હડતાળ ઉપર ગયા છે. પાલિકાના કામદારો અચાનક આયાતી કામદારોની પડખે ઉભા થઈ જતા મામલો ગરમાયો છે. હકીકતે કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં ચુંટાયેલા નગરસેવકો અને સંગઠન વચ્ચે ઘમાસાણની સાઈડ ઈફેક્ટ આવી છે. કચરાનો પ્રશ્ન રાજકીય ઈશારાથી વધ્યો હોવાથી વહિવટી રીતે સમાધાનની નોબત આવી છે.

મહેસાણા નગરપાલિકા મહેકમ મુખ્યના સફાઈ કામદારો અને બહારના કામદારો એક થઈ પાલિકા સામે આક્રમક બન્યા છે. પડતર માંગણીઓને લઈ કામદારો મક્કમ બનતા પાલિકા પણ સત્તાની રૂએ કડક બની છે. બન્ને વચ્ચેના વિવાદથી શહેરમાં કચરાનો પ્રશ્ન વધુને વધુ જટીલ બની રહ્યો છે. આ તરફ પાલિકાના કોંગી નગરસેવકો વચ્ચે આંતરિક નારાજગી અને સંગઠન સાથે પણ તાલમેલ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક નગરસેવકો ન્યાય અપાવવાનું કહી અંદરો-અંદર કામદારોને પ્રોત્સાહન આપી રહ્યા છે. આથી કામદારો પણ પાલિકાની લાલ આંખ સામે નમતું જોખવા તૈયાર નથી. કોંગ્રેસ સંગઠન અને ચુંટાયેલા નગરસેવકો વચ્ચે પડેલી તિરાડની આડઅસરો છેલ્લા કેટલાક દિવસોથી શરુ થયેલી વધુ ઉગ્ર બનતી જાય છે. આવી સ્થિતિમાં રાજકીય રાહે સફાઈ કામદારને લઈ કચરાનો પ્રશ્ન હલ થવો અત્યંત મુશ્કેલ બન્યો છે. આથી ચીફ ઓફિસરને પણ વહિવટી કોઠાસૂઝનો ઉપયોગ કરવાની નોબત આવી છે.

23મી જાન્યુઆરીએ પાલિકાની બોર્ડ બેઠક

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચુંટાયેલા નગરસેવકો અને સંગઠન વચ્ચે તાલમેલ વિખેરાઈ જતા પ્રમુખ સહિતના દિગ્ગજોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. આથી કચરા સહિતના પ્રશ્નો હલ કરવા આગામી 23મી જાન્યુઆરીએ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે.

સંગઠનના નિર્ણયની આડઅસર થઈ

કોંગ્રેસ સંગઠન દ્વારા તાજેતરમાં કમિટીઓની રચના માટે જે સૂચનો કે નિર્ણયો આપવામાં આવ્યા હતા તેની અવળી અસર થયાનું સામે આવ્યું છે. જે કોંગી નગરસેવકોને ઈચ્છીત કમિટિ મળી અને જેઓની ઈચ્છા પૂર્ણ ન થઈ તેવા બે ભાગ પડી ગયા છે. જોકે, બન્ને જૂથમાં નગરસેવકોની સંખ્યામાં મોટો તફાવત હોવાથી પાલિકામાં કોંગ્રેસની સત્તા અકબંધ રહે તેમ છે.