વેપાર@દેશ: સોના ચાંદીમાં મોટો કડાકો, સોનું રૂ.2000 અને ચાંદી રૂ.3500થી વધુ તૂટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાતા રોકાણકારોમાં ધ્રાસકો પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ બંને કિંમતી ધાતુઓમાં 6% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા:
સોનાનો અગાઉનો બંધ ભાવ 151729.00 હતો. આજે સોનું 150033.00 ના ભાવ પર ઓપન થયું હતું અને ટ્રેડિંગ દરમિયાન 149665.00 ની નીચલી સપાટી સુધી પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન સોનામાં ₹2,000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.ચાંદીનો અગાઉનો બંધ ભાવ 235441.00 હતો. આજે ચાંદી 232536.00 ની નીચી સપાટી પર ઓપન થઈ હતી અને ઘટાડો વધીને 231914.00 ના લેવલ સુધી પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં ₹3,500 થી વધુનો કડાકો નોંધાયો હતો.અમેરિકી ડોલર ઇન્ડેક્સ 99 ની ઉપર પહોંચી ગયો છે અને 10-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.80% ને વટાવી ગઈ છે. સોનું અને ચાંદી નોન-યીલ્ડીંગ એસેટ હોવાથી, બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નાણાં ખેંચી રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ $96 પ્રતિ બેરલને વટાવી ગયા છે. ક્રૂડ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ભીતિ સર્જાઈ છે.સતત વધી રહેલા ફુગાવાના કારણે યુએસ ફેડરલ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બેંકો વ્યાજદરમાં ઝડપી ઘટાડો નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની છે. લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેવાની ધારણાથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.

