વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં કડાકો, સોનું ₹1000 અને ચાંદી ₹3000 સુધી સસ્તી થઈ

 
ગોલ્ડ
છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ભારે અસ્થિરતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 30 જૂનના રોજ દેશના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં ભારે અસ્થિરતા અને તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ મહિનાના અંતિમ દિવસે કિંમતો નરમ પડતાં બજારમાં ખરીદદારોની ચહલપહલ વધવાની આશા જાગી છે. કિંમતોમાં આવેલા આ ઘટાડાથી સામાન્ય પરિવારોના લગ્નસરાના બજેટને થોડી મોટી રાહત મળશે.

બજારના સત્તાવાર અહેવાલો અનુસાર, આજે 24 કેરેટ શુદ્ધ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1.44 લાખના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. ગઈકાલના બંધ ભાવની સરખામણીએ આજે 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે આશરે ₹800 થી ₹1,000 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. આ જ પ્રમાણે, સામાન્ય રીતે ઘરેણાં બનાવવા માટે વપરાતા ૨૨ કેરેટ સોનાના ભાવમાં પણ પ્રતિ ૧૦ ગ્રામે આશરે ₹700 થી ₹900 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

ઔદ્યોગિક વપરાશ અને દાગીનામાં મહત્વની ગણાતી ચાંદીના ભાવમાં પણ આજે મોટો કડાકો જોવા મળ્યો છે. બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ આશરે ₹2.23 લાખના સ્તરે પહોંચી ગયો છે. ગઈકાલના ભાવોની સરખામણીમાં આજે ચાંદીની કિંમતમાં સીધો ₹2,000 થી ₹3000 પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ચાંદીના સિક્કા અને વાસણોની ખરીદી કરનારાઓમાં ઉત્સાહ છે.

આજે 24 કેરેટ સોનાની વાત કરીએ તો દિલ્હી, નોઈડા અને લખનૌમાં પ્રતિ ગ્રામનો ભાવ ₹14,207 છે. જ્યારે મુંબઈ, કોલકાતા, પટના અને બેંગલુરુ જેવા પ્રમુખ શહેરોમાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹14,192 ના સ્તરે સ્થિર છે. દક્ષિણ ભારતના ચેન્નાઈ શહેરમાં સોનાનો ભાવ સૌથી વધુ ₹14,508 પ્રતિ ગ્રામ જોવા મળી રહ્યો છે. દિલ્હી, નોઈડા, કોલકાતા, પટના, બેંગલુરુ અને લખનૌમાં ચાંદીનો પ્રતિ કિલોગ્રામનો દર ₹2,39,900 છે. તમિલનાડુના ચેન્નાઈમાં ચાંદીનો ભાવ અન્ય શહેરો કરતા વધુ એટલે કે ₹2,44,900 પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.