વેપાર@દેશ: છેલ્લા 2 દિવસમાં સોનું 3,755 અને ચાંદી 14,030 રૂપિયા તૂટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં ભારે કડાકો બોલાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. ગઈકાલે ચાંદીમાં એકઝાટકે 11000 નો તો સોનામાં 3000 નો કડાકો નોંધાયો હતો. આજે પણ બજાર ખુલતા બંને કિંમતી ધાતુ ફરી નેગેટિવ ઓપન થયા હતા. સોના અને ચાંદીમાં મોટો કડાકો બોલાયો છે. છેલ્લા માત્ર બે દિવસના ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં કુલ રૂ. 3,755 નો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી તો તેનાથી પણ વધુ કડાકો બોલાવતા રૂ. 14,030 જેટલી તૂટી ગઈ છે.
વાયદા બજારના આંકડા પ્રમાણે, સોનું ગત બંધ ભાવ રૂ. 1,52,341 સામે આજે ઘટીને રૂ. 1,50,770 ના ઓપન ભાવે ખુલ્યું હતું અને અગાઉના ભાવથી રૂ. 1,510 (-0.99%) ના ઘટાડા સાથે રૂ. 1,50,831 ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. સત્ર દરમિયાન સોનાએ ઊંચામાં રૂ. 1,51,198 અને નીચામાં રૂ. 1,50,695 ની સપાટી સ્પર્શી હતી.
ચાંદીના બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી ગત બંધ ભાવ રૂ. 2,34,099 ની સામે આજે રૂ.2,31,569 ના ઓપન ભાવે ખૂલી હતી. આજના સત્રમાં ચાંદી રૂ.3,331 (-1.42%) ના તીવ્ર ઘટાડા સાથે રૂ.2,30,768 ના સ્તરે જોવા મળી રહી છે. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ઊંચો ભાવ રૂ. 2,32,001 અને નીચો ભાવ રૂ. 2,30,270 સુધી ગયો હતો. બજારના આ અચાનક અને મોટા ઘટાડાથી કિંમતી ધાતુઓની ખરીદી અને વેચાણ પર ભારે અસર પડી છે.

