વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં એકાએક જોરદાર ઉછાળો, જાણો આજના ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના ચાંદીના ભાવમાં ગણતરીના કલાકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં નબળાઈ, અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાઓ અને જિયો પોલીટિકલ તણાવે રોકાણકારોને ફરીથી સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોના અને ચાંદી તરફ વાળ્યા હોય તેવું જણાય છે. ઘરેલુ બજારમાં પણ સોનું આજે ઉછળ્યું છે. ગત એક મહિનામાં સોનું MCX પર લગભગ 10% સુધી મોંઘુ થઈ ચૂક્યું છે. જેનાથી રોકાણકારોને ફરીથી તેમાં નવો રેકોર્ડ બને તેવી આશા જાગી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની ચમક વધી છે. કોમેક્સ પર સોનાના ભાવમાં આજે લગભગ $50 ની તેજી જોવા મળી અને ભાવ $3,380ની આસપાસ પહોંચી ગયો. જો કે હજુ પણ તે પોતાના ઓલટાઈમ હાઈ $3,508થી લગભગ $128 નીચે છે. પરંતુ હાલની ઝડપ જોતા આ અંતર પણ જલદી ક્રોસ કરે તેવું જણાઈ રહ્યું છે. ડોલર ઈન્ડેક્સ 100ની નીચે ગગડી ચૂક્યો છે. જેના કારણે સોનાને મજબૂતી મળી છે.
આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં ગઈ કાલના ઓપનિંગ રેટ કરતા 3,027 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ સીધો 96,761 રૂપિયા પર પહોંચ્યો છે. ગઈ કાલે સોનું 93,734 રૂપિયા પર ખુલ્યું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ચમક વધી છે. ચાંદીમાં આજે 2,745 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 95,845 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. ગઈ કાલે ચાંદી 93,718 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી.