દુર્ઘટના@અમદાવાદ: ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે ભયાનક અકસ્માત, ટ્રિપલ અકસ્માતમાં બેના મોત

 
અકસ્માત
ટક્કર થયા બાદ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાણંદના વિરોચન નગર ગામ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડમ્પર અને ટેન્કરના ચાલકોએ ગફલતભરી રીતે વાહનો હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર લાગ્યા બાદ કપચી ભરેલું ડમ્પર સંતુલન ગુમાવીને બાજુમાંથી પસાર થઈ રહેલી થાર ગાડી પર પલટી મારી ગયું હતું. ગાડી પર કપચીનો ઢગલો થઈ જતાં તેમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકોમાં એક સાણંદના અમથાપુરા ગામના વતની અને એક અન્ય અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે.ટક્કર થયાના ગણતરીની મિનિટોમાં જ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી અને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે હાઈવે પર કિમી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર અને ટેન્કરના ચાલકો વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા. સાણંદ જીઆઈડીસી પોલીસે આ મામલે બંને ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે.