દુર્ઘટના@અમરેલી: પુલ પરથી ટ્રક નીચે ખાબકતા જોરદાર વિસ્ફોટ, ચાલક કેબિનમાં જ જીવતો ભડથું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાહુલામાં ધાતરવડી નદી પર આવેલા પુલ પરથી પસાર થઈ રહેલો એક ભારે માલવાહક ટ્રક અચાનક ચાલકના કાબૂ બહાર ગયો હતો. સ્પીડ વધુ હોવાના કારણે ટ્રક પુલની મજબૂત રેલિંગ તોડીને સીધો નદીના પટમાં નીચે ખાબક્યો હતો. પુલ પરથી અંદાજે ઊંચાઈ પરથી નીચે પછાડાતા જ ટ્રકના એન્જિન અને ડીઝલ ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને આખો ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક નીચે પડતાં જ કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે અંદર બેસેલા વ્યક્તિને બહાર નીકળવાની કે દરવાજો ખોલવાની કોઈ તક જ મળી ન હતી.
બીજી જ સેકન્ડે લાગેલી ભીષણ આગની લપેટમાં આખો ટ્રક આવી જતાં અંદર ફસાયેલો વ્યક્તિ જીવતો જ ભડથું થઈ ગયો હતો. પુલ પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ આ ભયાનક દ્રશ્ય જોઈને તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને રાજુલા પોલીસનો કાફલો, ફાયર ફાઇટરો અને 112ની ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક લોકેશન પર પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે સળગતા ટ્રક પર સતત પાણી અને કેમિકલ ફોમનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેને સંપૂર્ણપણે કાબૂમાં લેતા ફાયર જવાનોને સતત 2 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અંદર રહેલી વ્યક્તિ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે અત્યંત સાવચેતીપૂર્વક મૃતક વ્યક્તિના અસ્થિઓ અને અવશેષોને એકત્ર કરીને પંચનામું કર્યું હતું અને તેને ઓળખ અને પોસ્ટમોર્ટમની કાનૂની પ્રક્રિયા માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

