દુર્ઘટના@અંકલેશ્વર: બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, 3 લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા

 
ઘટના

અર્ટિગા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચના અંકલેશ્વરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટનાસ્થળે જ મૃત્યુ પામી જતાં માહોલ ગમગીન બની ગયો હતો. અંકલેશ્વરના બાકરોલ નજીક આ ગમખ્વાર અકસ્માત થયો હતો.

કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર આ કારમાં સવાર પરિવારના સભ્યો મુંબઈ તરફ જઇ રહ્યા હતા.