દુર્ઘટના@પાવાગઢ: દર્શન કરી પરત ફરતાં ડુંગરની 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ભક્તનું મોત

 
ઘટના
યુવકને શોર્ટકટ રસ્તો પસંદ કરવો જીવલેણ બન્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાવાગઢ ખાતે કાલિકા માતાના દર્શન કરવા ગયેલા એક શ્રદ્ધાળુ સાથે દર્દનાક દુર્ઘટના બની છે. આ ગોઝારી ઘટનામાં માતાજીના દર્શન કરીને નીચે ઉતરી રહેલા યાત્રિક અનિલ ભીલ શોર્ટકટ માર્ગ પરથી અચાનક સંતુલન ગુમાવતાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર હજારો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ દરમિયાન ડુંગર પરથી એક શ્રદ્ધાળુ ઊંડી ખીણમાં પટકાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મૃતક યુવકની ઓળખ અનિલ ભીલ તરીકે થઈ છે.

અનિલ ભીલ મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને હાલ વડોદરા ખાતે રહીને રોજગાર મેળવતા હતા. તેઓ માતાજીના દર્શનાર્થે પાવાગઢ આવ્યા હતા અને કાલિકા માતાના મંદિરે દર્શન કરીને પગપાળા નીચે તરફ આવી રહ્યા હતા ત્યારે આ કાળમુખો બનાવ બન્યો હતો.મંદિરના નિયત પગથિયાંવાળા માર્ગને બદલે ઝડપથી નીચે પહોંચવા માટે યુવકે પર્વતીય શોર્ટકટ રસ્તો પસંદ કર્યો હતો. વરસાદી ઋતુ બાદ ડુંગરની ભેખડો અને પથ્થરો લપસણા બની ગયા હોવાથી આ ઘટના બની હતી.અચાનક પગ લપસી જતાં યુવક સીધો 200 ફૂટ ઊંડી ખડકાળ ખીણમાં ગબડી પડ્યો હતો. ઊંચાઈ પરથી પથ્થરો વચ્ચે પટકાયા હોવાથી યુવકના માથા અને શરીરના અન્ય ભાગોમાં અત્યંત ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવને પગલે આસપાસના અન્ય યાત્રિકોમાં ભારે હોબાળો અને અરેરાટી ફેલાઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ મંદિર ટ્રસ્ટના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસે તુરંત જ બચાવ કામગીરી માટે મદદ માંગી હતી.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને હાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટરો તાબડતોબ રેસ્ક્યૂ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ખીણ અત્યંત ઊંડી અને ખડકાળ હોવાને કારણે બચાવ ટીમોને નીચે ઉતરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દોરડા અને ખાસ સ્ટ્રેચરની મદદથી કલાકોની ભારે જહેમત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને ખીણમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.ખીણમાંથી હેમખેમ બહાર કાઢ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધારે પડતું લોહી વહી ગયું હોવાથી અને ઊંડા આંતરિક ઘા હોવાના કારણે ફરજ પરના તબીબોના તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને દુઃખદ સમાચાર આપ્યા છે.