દુર્ઘટના@બનાસકાંઠા: ધાનેરાના નેનાવા બોડર પાસે લક્ઝરીમાં લાગી આગ, 7 મુસાફરો દાઝ્યા, 1નું મોત

 
આગ
મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ દાઝી ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી એક લક્ઝરી બસમાં ધાનેરાના નેનાવા બોર્ડર પાસે અચાનક આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ છે. આ કરુણ ઘટનામાં બસમાં સવાર મુસાફરોમાંથી 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે પૈકી એક મુસાફરનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.બસ જ્યારે નેનાવા બોર્ડર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ સાત લોકો દાઝી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ ધાનેરા ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં 6 મુસાફરો ત્યાં સારવાર હેઠળ છે. ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક   લક્ઝરી બસમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ ભયાનક આગ લાગી હોવાનું માનવામાં આવે છે.