દુર્ઘટના@ભરૂચ: ઝઘડિયા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

 
આગ

સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરુચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરુચથી ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.આગની લપેટમાં આવી જવાથી 20થી વધુ લોકો દાઝી ગયા છે.ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે.