દુર્ઘટના@ભાવનગર: વલ્લભીપુરમા હૃદયદ્રાવક માર્ગ અકસ્માત, બાઇક ચાલકના બંને પગ કપાયા, એકનું કરુણ મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા રોડ પર આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાને સારવારના અભાવે દમ તોડ્યો હતો, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના બંને પગ કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, વલ્લભીપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા બે યુવાનોને જોરદાર ટક્કર મારી હતી. બાઇકચાલક અને પાછળ બેઠેલો યુવાન ઉછળીને લગભગ ૧૦ ફૂટ ઊંડા ખાડામાં પટકાયા હતા.
અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા યુવાન સુનિલભાઈ રાજુભાઈ દોડરિયા (ઉંમર વર્ષ ૨૮) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓએ તાત્કાલિક મદદ માટે 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો, પરંતુ કમનસીબે 108 ઘટનાસ્થળે મોડી પહોંચી. જેના કારણે સુનિલભાઈને સમયસર સારવાર ન મળી શકતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.જ્યારે બાઇક ચલાવી રહેલા બિપીનભાઈ ડાભીને પણ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, આ ગમખ્વાર અકસ્માતમાં બિપીનભાઈના બંને પગ કપાઈ ગયા છે, જેના કારણે તેમની હાલત અત્યંત નાજુક છે.
રાહદારીઓએ 108 ને કોલ કર્યો હોવા છતાં, 108 એમ્બ્યુલન્સ મોડી પહોંચી હતી.પરંતુ ઘટનાની ગંભીરતા જોતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા જ બંને ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. સુનિલભાઈને બચાવી શકાયા નહોતા. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થતાં અને બીજા યુવાનના બંને પગ કપાઈ જતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.