દુર્ઘટના@ભાવનગર: બેકાબૂ ST બસ માતા-પુત્રી પર ફરી વળતા બંનેનું કમકમાટીભર્યું મોત

 
બેકાબૂ બસ

પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન લાગતા બસ સીધી ફૂટપાથ પર ચડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગરમાં વહેલી સવારે સિહોર-ટાણા-વરલ રૂટની ST બસ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ પૂરપાટ ઝડપે બહાર આવી રહી હોવાના કારણે બ્રેક ન લાગતાં તે સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી. ત્યારબાદ બસ ભરૂચા ક્લબની દીવાલ સાથે ભયાનક રીતે અથડાઈ હતી.બસ ફૂટપાથ પર ચડતા વાહનની રાહ જોઈને બેઠેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. બસે ફૂટપાથ પર બેઠેલા લોકોને અડફેટે લીધા. આ ગંભીર અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અકસ્મતમાં રામધરી સણોસરા ગામના લલીતાબેન ગુલાબસિંહ પરમાર, ઉંમર 28 વર્ષ અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેન ગુલાબસિંહ પરમારનું મોત થયું છે. જ્યારે મધુબેન લાલજીભાઈ વાઘેલા, ઉંમર 50 વર્ષ, ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ST બસ ભાવનગર-સિહોર-ટાણા-વરલ રૂટ પર દોડતી હતી. બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી વખતે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસની બ્રેક ન લાગતા તે પૂરપાટ ઝડપે આગળ વધી હતી. આખરે બસ ફૂટપાથ પર ચડીને ભરૂચા ક્લબની દીવાલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દીવાલને પણ નુકસાન થયું હતું.આ અકસ્માત સમયે ફૂટપાથ પર કેટલાક લોકો વાહનની રાહ જોઈને બેઠા હતા.