દુર્ઘટના@ભાવનગર: જાનની બસમાં આગ લાગતા અફરાતફરી, લોકોએ ઈમરજન્સી બારીમાંથી કૂદી જીવ બચાવ્યો

આગ લાગતા તમામના જીવ તાળવે ચોંટી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગર-રાજકોટ રોડ ઉપર આમલા પાસે બજુડ પાટીયાથી પસાર થતી જાનની બસમાં એકાએક આગ લાગતા જાનૈયાઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. જીવ બચાવવા લોકોએ ઇમરજન્સી બાકીમાં કૂદ્યા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પહોંચી આગને કાબુમાં લીધી. આગ તો કાબુમાં આવી ગઈ પરંતુ લાડી લેવા નીકળેલ વરરાજા અને જાનૈયાઓ સુરક્ષિત રીતે લગ્નસ્થળ પર પંહોચે તેવી વ્યવસ્થા કરવાને લઈને વિનંતી કરવામાં આવી હતી. જાનૈયાથી ભરેલ બસ ભાવનગર નારી ગામથી ગારીયાધાર નજીકના ઘોબા ગામે જતી હતી. દરમિયાન બસમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી.
ભાવનગર નજીકના નારી ગામે રહેતા સતીશ મુકેશભાઈ સોલંકીની જાન ગારીયાધાર તરફ જઈ રહી હતી ત્યારે બજુડના પાટિયા પાસે બસમાં એકાએક આગ લાગતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. બસમાં આગ લાગતા તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા સરસામાન અને ચપ્પલ મૂકીને ઇમરજન્સી બારીમાંથી કૂદી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.આ ઘટનામાં કમનસીબી એ રહી કે આજે લગ્ન છે ત્યારે જાનૈયાઓ અને વરરાજાઓનો કપડા અને તમામ સામાન બસમાં ભસ્મીભૂત થઈ ગયો છે. જાનૈયાઓ રઝળી પડ્યા હતા. ફાયર બ્રિગેડ એક કલાક પછી ઘટનાસ્થળે પહોંચી હતી એવો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.