દુર્ઘટના@બોટાદ: સિમેન્ટની થેલીઓ ભરેલો ટ્રક ખાડામાં પલટી જતાં 2 શ્રમિકોના કરુણ મોત

 
ઘટના

ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોટાદ જિલ્લાના ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક રોડ નીચે ઉતરી ખાળિયામાં પલટી મારી ગયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં ટ્રક પર સવાર બે શ્રમિકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સિમેન્ટ ખાલી કરવા માટે મજૂરો ટ્રકની ઉપર બેઠા હતા. આ દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક પલટી મારી ગયો હતો, જેના કારણે ઉપર બેઠેલા શ્રમિકો સિમેન્ટની ભારેખમ થેલીઓ અને ટ્રક નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ બે સગા ભાઈઓ જેવા શ્રમિકો બાબુભાઈ હરજીભાઈ સારોલા (ઉંમર આશરે 40 વર્ષ) અને રમેશભાઈ હરજીભાઈ સારોલા (ઉંમર આશરે 50 વર્ષ)નું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો પૈકી સંજયભાઈ ગીધાભાઈ અને વિજયભાઈ ગીધાભાઈને વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે મફાભાઈ ગોવિંદભાઈ મકવાણાને બરવાળા ખાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બરવાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.