દુર્ઘટના@દેશ: હિમાચલમાં ચાલતી કાર પર પહાડ પરથી પથ્થર તૂટી પડતાં 13 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લાના પાંગી-ઉદયપુર માર્ગ પર મોટો અકસ્માત સર્જાયો છે. એક ટાટા સુમો ગાડી પર પહાડ તૂટી પડતાં 13 લોકોના મોત થયા છે. લાહૌલ-સ્પીતી પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. હાલ લાહૌલ-સ્પીતી પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે.ભરમૌર-પાંગીના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે, ઉદયપુર માર્ગ પર થયેલા અકસ્માતમાં ગાડીમાં મુસાફરી કરી રહેલા 15 લોકોમાંથી 13 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.મૃતકોમાં 6 મહિનાનું બાળક પણ સામેલ છે. જ્યારે બે લોકો સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા છે.
લાહૌલ ઘાટીથી આશરે 60-70 કિમી દૂર કુડૂનાળા પાસે આ ઘટના બની હતી. અહીં ચાલતી ટાટા સુમો પર પહાડ પરથી મોટા પથ્થરો તૂટી પડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ટાટા સુમો ટેક્સીમાં કુલ 15 લોકો સવાર હતા. કાટમાળમાંથી એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો છે. અકસ્માત બાદ ગાડીના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.મૃતકોની ઓળખ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જોકે, જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો પાંગી ઘાટીના રહેવાસી હતા. ભરમૌરના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે, અમે ચંબા અને લાહૌલ-સ્પીતીના જિલ્લા કલેક્ટરને રાહત કામગીરી ઝડપી બનાવવા વિનંતી કરી છે અને પોલીસ તેમજ બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ચૂક્યું છે.
લાહૌલ-સ્પીતીની DSP રશ્મિ શર્માએ News18 સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં માત્ર અકસ્માતની માહિતી મળી છે અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ છે. બીજી તરફ, ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેને જોઈને અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ લગાવી શકાય છે. વીડિયોમાં ટાટા સુમોના પાછળના ભાગમાં આગ લાગેલી જોવા મળે છે અને કેટલાક લોકો આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાં સેનાના જવાનો પણ જોવા મળે છે, જે મજૂરોને બોલાવવા અને પાણી લાવવાની વાત કરી રહ્યા છે. વીડિયોમાં લોહીના ડાઘ પણ જોવા મળે છે. અકસ્માતમાં ટાટા સુમોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
ઉદયપુર-કિલાડ માર્ગ અગાઉના દિવસે બંધ હોવાથી વાહનમાં સવાર તમામ મુસાફરો તિંડીમાં રોકાયા હતા. માર્ગ ખુલ્યા બાદ તેઓ પાંગી તરફ રવાના થયા હતા, ત્યારે કડૂ નાળા પાસે આ અકસ્માત થયો હતો. નોંધનીય છે કે, શુક્રવારે સવારે મંડી જિલ્લાના જોગિન્દ્રનગરના ગુમ્મા વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું હતું.

