દુર્ઘટના@દેશ: હિમાચલમાં બસ ખીણમાં ખાબકતાં 8ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા, અનેક ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં આજે એક ભયાનક બસ અકસ્માત થયો છે. કુપવીથી શિમલા જઈ રહેલી એક ખાનગી બસ હરિપુરધાર પાસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી છે. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્તોને ખાઈમાંથી બહાર કાઢી સડક સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સિરમૌરના એસપી નિશ્ચિંત સિંહ નેગીએ જણાવ્યું કે, પોલીસ અને બચાવ ટીમો હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ દર્દીઓને વધુ સારવાર માટે સંગડાહ, દદાહૂ અને નાહન મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

