દુર્ઘટના@દેશ: હિમાચલ પ્રદેશના ચંબામાં મુસાફરોથી ભરેલી બસ પલટી, 8 લોકોના મોત

 
ઘટના
અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે શનિવારે સવારે રોડ અકસ્માત સર્જાયો છે. તીસા-બૈરાગઢ રોડ પર આવેલા ચાબુજ વળાંક પાસે મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક અકસ્માતગ્રસ્ત થઈ ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં આઠ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ખાનગી બસ બૈરાગઢથી ચંબા તરફ જઈ રહી હતી ત્યારે ચાબુજ વળાંક પાસે ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે બસમાં અંદાજે 20 થી 25 મુસાફરો સવાર હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચંબાના પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બસ દુર્ઘટનામાં આઠ મુસાફરોના મોત થયા છે અને અન્ય ઘાયલોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.