દુર્ઘટના@દેશ: ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં જર્જરિત ઈમારત ધરાશાયી, 6 લોકોના મોતની આશંકા

 
મુંબઈ
ઈમારતનો હિસ્સો અચાનક તૂટી પડતાં અફરાતફરી મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે એક એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં 6 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. માનખુર્દના જનતા નગર ખાતે આવેલા હનુમાન મંદિર પાછળ, ચાલ નંબર 5માં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારતના 2થી 3 ઝૂંપડા જેવા યુનિટ્સ અચાનક તૂટી પડ્યા હતા. શરૂઆતી માહિતી મુજબ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે.દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઈમારતનો હિસ્સો અચાનક તૂટી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આસપાસના લોકો પણ તરત જ મદદે દોડી આવ્યા હતા અને રાહત કાર્યમાં જોડાયેલી ટીમોને સહકાર આપવા લાગ્યા હતા. સુરક્ષાના પગલાં રૂપે પોલીસે હાલમાં આખા વિસ્તારની ઘેરાબંધી કરીને નાકાબંધી કરી દીધી છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વહીવટી વડાઓએ જણાવ્યું છે કે કાટમાળમાં ફસાયેલા લોકોને વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવા માટે તમામ એજન્સીઓ પરસ્પર સંકલન સાથે કામ કરી રહી છે. આ સાથે જ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.