દુર્ઘટના@દેશ: છત્તીસગઢમાં આઈઈડી નિષ્ક્રિય કરવા ગયેલી ટીમ પર વિસ્ફોટ, 4 બહાદુર જવાન શહીદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર નક્સલ વિરોધી અભિયાન દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. નક્સલીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા આઈઈડીને નિષ્ક્રિય કરવા ગયેલી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની ટીમ પર વિસ્ફોટ થતા 4 બહાદુર જવાન શહીદ થયા છે.કાંકેર એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું કે, કાંકેર જિલ્લાના છોટેબેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોરોસકોડા જંગલમાં સર્ચિંગ અને ડી-માઈનિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.
આ વિસ્તાર કાંકેર અને નારાયણપુરની બોર્ડર પર આવેલો છે. નક્સલીઓએ જવાનોને નુકસાન પહોંચાડવા માટે જમીનમાં વિસ્ફોટકો દાટ્યા હોવાની બાતમીના આધારે જવાનો તેને નિષ્ક્રિય કરવા નીકળ્યા હતા. આ કામગીરી દરમિયાન અચાનક એક આઈઈડીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેની લપેટમાં જવાનો આવી ગયા હતા.આ ભયાનક વિસ્ફોટમાં કાંકેર DRG ના કુલ 4 જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પૈકી ત્રણ જવાનોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે એક જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, આત્મસમર્પણ કરી ચૂકેલા માઓવાદીઓ દ્વારા મળેલી માહિતીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બસ્તર રેન્જમાં અગાઉ પણ સેંકડો આઈઈડી શોધીને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, પરંતુ આજની ઘટનામાં જ્યારે પોલીસ ટીમ વિસ્ફોટકો નિષ્ક્રિય કરી રહી હતી ત્યારે અચાનક બ્લાસ્ટ થતા આ જાનહાનિ થઈ છે.

