દુર્ઘટના@દેશ: વાયનાડમાં ભારે વરસાદથી ભયાવહ ભૂસ્ખલન, 2ના મોત, અનેક દટાયાની આશંકા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેરળના વાયનાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મંગળવારે એક મોટું ભૂસ્ખલન થતાં ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી હોનારતમાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડતા અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટના નિર્માણ સ્થળની નજીક, કલ્લાડી ખાતે મીનાક્ષી બ્રિજ પાસે ઘટી હતી.
ઘટના સમયે ત્યાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો હાજર હતા.આ ઘટનાને લઈને કેરળ સરકારના મંત્રી ટી. સિદ્દીકે ગંભીર આક્ષેપો કરતા આ દુર્ઘટનાને કુદરતી નહીં પણ "મેન-મેડ લેન્ડસ્લાઇડ" (માનવસર્જિત ભૂસ્ખલન) ગણાવી છે. મંત્રીના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટરે કોંકણ રેલવેને આ સ્થળે ભૂસ્ખલન થવાના જોખમ અંગે અગાઉથી જ લેખિતમાં ચેતવણી આપી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. વહીવટીતંત્રએ 20 જૂનના રોજ એક આદેશ આપીને કન્સ્ટ્રક્શન સાઇટ પરથી માટી હટાવવા જણાવ્યું હતું, જેનો કોન્ટ્રાક્ટરે અમલ કર્યો નહોતો. મંત્રીએ વર્ષ 2024 માં વાયનાડના મુંડક્કાઈમાં થયેલા ભૂસ્ખલનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 298 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે આવી બેદરકારી બિલકુલ સાંખી લેવામાં નહીં આવે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 265 મીમી (265 mm) જેટલો ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે આ ભૂસ્ખલન થયું હોવાનું મનાય છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાયનાડ અને કોઝીકોડની બે ટીમોના કુલ 60 જવાનો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. ફાયર અને રેસ્ક્યુ સર્વિસના જવાનો પણ સ્થાનિક લોકોની મદદથી કામ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં કાટમાળમાંથી છ ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

