દુર્ઘટના@દમણ: બે કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી, લાખો-કરોડોનો માલસામાન બળીને ખાખ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કલાકોની જહેમત બાદ પણ બપોરે સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો.ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી 'ટોટલ પેકેજિંગ' નામની કંપનીમાં બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં જ આવેલી 'એસીઈ પેકેજિંગ' કંપનીને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી.
પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાથી આગે ખૂબ જ ઝડપથી પ્રસાર કર્યો હતો. ઘટનાને પગલે દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.આગની ગંભીરતાને જોતા દમણ સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 જેટલા ફાયર ટેન્ડરો અને પાણીના ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ અંદર રહેલા કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સચિવ હરીશ પટેલે જણાવ્યું હતું કે "આગ ખૂબ જ ભીષણ હતી અને પ્લાસ્ટિકના કારણે તેને કાબૂમાં લેવી પડકારજનક બની છે. ફાયર વિભાગની ટીમ સતત કાર્યરત છે." બંને કંપનીઓમાં રહેલો લાખો-કરોડોનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હોવાથી ભારે આર્થિક નુકસાનની આશંકા છે.

