દુર્ઘટના@દિલ્હી: વિવેક વિહાર વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા 9 લોકોએ જીવ ગુમાવ્યા

 
આગ
12 થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઈમારતમાં ભીષણ આગ ફાટી છે. આ કરૂણ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે, અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. માહિતી અનુસાર ઈમારતના બીજા, ત્રીજા અને ચોથા માળે આગની ઘટના બની હતી.

ઘટના સમયે 10 થી 15 લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. આગને કાબુમાં લેવા માટે 12 થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ફાયર કંટ્રોલ રૂમને રવિવારે સવારે આશરે 3:47 વાગ્યે આગ અંગેની માહિતી મળી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું મુખ્ય કારણ AC બ્લાસ્ટ હોવાનું સામે આવ્યું છે. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.ઈમારતના કયા માળ કે હિસ્સામાંથી આગની શરૂઆત થઈ તે અંગે અત્યારે સઘન તપાસ ચાલી રહી છે. આગમાં દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે રાહત કામગીરી હજુ પણ જારી છે.