દુર્ઘટના@દેશ: કર્ણાટકના નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 13 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કર્ણાટકના નેશનલ હાઈવે પર આજે (28મી જૂન) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ટ્રાવેલરે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. હાવેરીના એસપી અંશુ કુમારે અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'આ દુર્ઘટના પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે પર થઈ હતી. બ્યાદગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રકને ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના યેમાહટ્ટી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 17 શ્રદ્ધાળુઓ યાત્રા કરી રહ્યા હતા, જે બેલગાવી જિલ્લાના સવાદટ્ટી ખાતે યેલમ્મા મંદિરના દર્શન કર્યા બાદ ભદ્રાવતી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો.