દુર્ઘટના@ગીરસોમનાથ: કોડીનારના દરિયામાં નહાવા ગયેલા 5 કિશોરો ડૂબ્યા, 2ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયામાં નહાવા ગયેલા પાંચ કિશોરો અચાનક ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ ઘટનામાં બે કિશોરોના મોત થયા છે. જ્યારે ત્રણ કિશોરોને સ્થાનિક માછીમારોની બહાદુરીથી સલામત બચાવી લેવામાં આવ્યા છે.આ દુર્ઘટનાને પગલે છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
છારા ગામના પાંચ મિત્રો દરિયામાં નહાવા માટે ગયા હતા. દરમિયાન દરિયાના મોજાં અને તેજ કરંટના કારણે કેટલાક કિશોરો ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા.આ સમયે બે કિશોરો ડૂબવા લાગ્યા હતા. તેમને બચાવવા માટે તેમના ત્રણ મિત્રો પણ તરત જ દરિયામાં ઉતરી ગયા હતા, પરંતુ બચાવનો પ્રયાસ કરતા તેઓ પણ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દરિયાકિનારે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળ નજીક હાજર રહેલા સ્થાનિક માછીમારોએ સમયસૂચકતા અને હિંમત દાખવી હતી. માછીમારોએ તરત જ દરિયા માં ઝંપલાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.ભારે જહેમત બાદ ત્રણ કિશોરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. માછીમારોની બહાદુરીના કારણે ત્રણ પરિવારોએ પોતાના બાળકોને ફરી જોઈ શક્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાપતા થયેલા બે કિશોરોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેવી, કોસ્ટ ગાર્ડ અને NDRFની ટીમોએ દરિયામાં સઘન શોધખોળ શરૂ કરી હતી. લાંબી શોધખોળ બાદ બે કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા.
શોધખોળ દરમિયાન ભાવેશ ચુડાસમાનો મૃતદેહ મંગળવારે મળી આવ્યો હતો, જ્યારે નિર્મલ હમીરભાઈ ચુડાસમાનો મૃતદેહ બુધવારે સવારે શાપુરજી કંપનીની જેટી નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો.પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.બે કિશોરોના મોતના સમાચાર મળતા જ છારા ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

