દુર્ઘટના@ગોવા: નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા 'બિર્ચ બાય રોમિયો લેન' નામના એક રેસ્ટોરન્ટ-કમ-નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગણતરીની સેકન્ડોમાં આગ એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ કે લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો. આ દર્દનાક દુર્ઘટનામાં 25 લોકોના મોત થયા છે, જેમાંથી 20 લોકોનો શ્વાસ રૂંધાવાથી જ્યારે ત્રણ લોકો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા છે.
આ ભીષણ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ક્લબના કિચન એરિયામાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. થોડી જ સેકન્ડોમાં આગે આખા કિચનને લપેટમાં લીધું અને જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા બેઝમેન્ટ સુધી ફેલાઈ ગયા. ઘટના સમયે ક્લબનું બેઝમેન્ટ કર્મચારીઓથી ભરેલું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગભરાટમાં લોકો બહાર ભાગવાને બદલે બેઝમેન્ટ તરફ દોડ્યા, જ્યાં ધુમાડાનું સામ્રાજ્ય પહેલેથી જ ફેલાયેલું હતું. મૃતકોમાં 20 લોકોનો શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોના મૃતદેહો ગંભીર રીતે દાઝી ગયેલા મળી આવ્યા હતા. મૃતકોમાં મોટા ભાગના ક્લબના કિચન સ્ટાફ હતા, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં ત્રણથી ચાર પ્રવાસીઓ પણ સામેલ છે. મૃતકોમાં સૌથી વધુ સ્ટાફના 14 લોકો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટનાને રાજ્ય માટે 'બહુ દર્દનાક દિવસ' ગણાવી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે "ગોવા જેવા પર્યટન રાજ્ય માટે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જે લોકો આવી ગતિવિધિઓ ગેરકાયદેસર રીતે ચલાવી રહ્યા છે, તેમના કારણે આગની આ ઘટના બની છે.
તપાસમાં આગ લાગવાના સાચા કારણોનો પતો લગાવાશે અને જે પણ દોષિત જણાશે, તેમની વિરુદ્ધ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાશે."ગોવા પોલીસના ડીજીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર, રાત્રે 12:04 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને આગની સૂચના મળી હતી. તાત્કાલિક પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે ક્લબમાં ફાયર સેફ્ટીના પૂરતા બંદોબસ્ત નહોતા. અરપોરામાં ગંભીર અગ્નિકાંડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું.

