દુર્ઘટના@ગુજરાત: સ્વિફ્ટ કાર ધડાકાભેર ડિવાઈડરમાં ઘૂસી જતાં 3ના કમકમાટી ભર્યા મોત, બે લોકો ઘાયલ

કાર ડિવાઈડર સાથે જોરદાર ભટકાતા કારના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છાપી નજીક આવેલા અધુરિયા પુલ ઉપર આજે વહેલી સવારે કારચાલકે સ્ટિયયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે દંપતી સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા જ્યારે બેને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. મહેસાણાનો સુથાર પરિવાર રણુંજા દર્શન કરી બુધવારે વહેલી સવારે મહેસાણા પરત ફરી રહ્યો હતો.
તે દરમિયાન પાલનપુર મહેસાણા હાઇવે ઉપર આવેલા તેનીવાડા ગામની સીમમાં આવેલા અધુરિયા પુલ ઉપર કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે જોરદાર ભટકાતા કારના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા હતા. અકસ્માતમાં દંપતી સહિત કુલ ત્રણ જણાનાં કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે માતા અને દીકરાને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ સારવાર માટે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં છાપી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મૃતુકોના શબને પોસ્ટમોર્ટમ માટે વડગામ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.