દુર્ઘટના@ગુજરાત: પોઇચાની નર્મદા નદીમાં સુરતના 8 પ્રવાસીઓ ડૂબતા મચ્યો હાહાકાર

 
પોઇચા

હજુ પણ સાત લોકો લાપતા છે અને તમામની શોધખોળ ચાલુ કરાઇ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 8 લોકો ડૂબી જતાં હાહાકાર મચ્યો છે. તરવૈયાઓએ 1 વ્યક્તિને બચાવી લીધા છે જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ કરાઇ રહી છે. મળેલી માહિતી મુજબ રાજપીપળા પાસેના પોઈચામાં નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

આ તમામ લોકો સુરતના હતા અને પોઇચા ફરવા માટે આવ્યા હોવાનું જાણવા મળે છે. સુરતના રહીશો પોઈચા આવ્યા હતા ત્યારે નર્મદા નદીમાં નહાવા જતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે. ઘટનામાં ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યાં છે પણ એક યુવાનને સ્થાનિકોએ આબાદ બચાવી લીધો છે. નદીમાં નહાવા પડેલા આ લોકો એક પછી એક ડૂબવા લાગ્યા હતા અને તેથી બચાવો..બચાવોની બુમો પડતાં સ્થાનિક તરવૈયાઓ નદીમાં કુદ્યા હતા. ભોગ બનેલા પ્રવાસીઓ મુળ અમરેલીના હોવાનું જાણવા મળે છે. જો કે હજુ પણ સાત લોકો લાપતા છે અને તમામની શોધખોળ ચાલુ કરાઇ છે. રાજપીપળા પોલીસ અને ફાયરની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઇ છે.