દુર્ઘટના@ગુજરાત: દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 2 ખલાસીઓના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું 'મહેબૂબ-એ-બુખારી' નામનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ખરાબ હવામાનના કારણે ડૂબ્યું છે. 12 ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે બચાવી લીધા છે. આ દુર્ઘટનામાં કમનસીબે 2 ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે.
સલાયાનું 'મહેબૂબ-એ-બુખારી'(રજીસ્ટ્રેશન નંબર BDI 1415) જહાજ ગત 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા દરિયાઈ માર્ગે રવાના થયું હતું. આ જહાજ ઓમાન નજીકના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક દરિયામાં ભારે કરંટ અને ખરાબ હવામાન સર્જાયું હતું. કુદરતી આફત વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા. એન્જિન બંધ થતાં જહાજમાં પાણી ભરાયું ગયું હતું અને જોતજોતામાં કરોડોની કિંમતનું માલવાહક જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.
જહાજ ડૂબવાની ઘટનાને લઈને ઓમાનનું સત્તાવાર 'સર્ચ એન્ડ રેસ્ક્યુ દળ', ઓમાની નેવી અને નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો 'અલ હાજી હસન' અને 'સફિના અલ નૂરે ઇલાહી' દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ બચાવ કામગીરીમાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી 12 ભારતીય ખલાસીઓને સહીસલામત બહાર કાઢી લીધા હતા.
આ દુર્ઘટનામાં 2 ખલાસીઓ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે. મૃતદેહો અને બચાવવામાં આવેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા.જહાજ ડૂબવાની અને બે ખલાસીઓના મોતના સમાચાર સલાયા પોર્ટ પર પહોંચતા જ સ્થાનિક શિપિંગ એસોસિએશન અને ખલાસીઓના પરિવારોમાં ભારે શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મૃતક ખલાસીઓના વતનમાં તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

