દુર્ઘટના@ગુજરાત: આદપોકાર ગામમાં હૃદયદ્રાવક ઘટના, માતા અને બે પુત્રીઓ કુંડમાં પડી જતા ત્રણેયના મોત
ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગીર સોમનાથના કોડિનાર તાલુકાના આદપોકાર ગામના શિવ મંદિર નજીક આવેલા કુંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના દુઃખદ અવસાન થયા હોવાનું જાણવા મળ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોતને કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકો સ્તબ્ધ બની ગયા છે. આદપોકાર ગામે આવેલા શિવ મંદિર પાસેનું કુંડ ઊંડું અને પાણીથી ભરેલું હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી મુજબ, માતા અને તેની બે દીકરીઓ કુંડની આજુબાજુ ગયા હતા ત્યારે અચાનક પગ લપસી જતાં તેઓ પાણીમાં પડી ગયા હતા. બંને નાની બાળકી ઊંડા પાણીમાં ડૂબી જતાં ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ તેઓને બચાવી શકાયા નહોતા.
માતાને ગંભીર હાલતમાં પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના સામે આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ દળ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલમાં આ બનાવ અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર બન્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ અકસ્માત જણાઈ રહ્યો હોવા છતાં અધિકૃત પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો છે.

