દુર્ઘટના@ગુજરાત: ભેંશલા પાસે ભયાનક અકસ્માત, ઇકો અને બાઇક અથડાતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

 
Akasmat
એક બાળક અને મહિલા ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક આવેલા ભેંશલા ગામ પાસે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઇકો કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે, જ્યારે એક બાળક અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ઇકો કાર રોડની બાજુમાં આવેલા એક ગરનાળામાં ખાબકી હતી.

આ અકસ્માતમાં ઇકો કારના ચાલક અને બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.  બાઇક ચાલક અરવલ્લી જિલ્લાના મલોજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળક અને મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજસ્થાનની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.