દુર્ઘટના@ગુજરાત: સાયલા-ચોટીલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીનું કમકમાટીભર્યું મોત

 
ઘટના
 એટલી જોરદાર હતી કે કારનો કુરચો બોલી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોપી હોટલ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.કાર સાયલાથી ચોટીલા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો.

મૃતકોની ઓળખ મોરબીના શકત શનાળા સ્થિત શક્તિ માતાના મંદિરના મહંત મનસુખગીરી ગોસ્વામી અને તેમના પત્ની વૈશાલીબેન ગોસ્વામી તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કુરચો બોલી ગયો હતો અને દંપતીએ જીવ ગુમાવ્યો હતો.ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાયલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.