દુર્ઘટના@હિંમતનગર: સહકારી જીન પાસે ભયાનક અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘુસી જતા 7ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં સહકારી જીન નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે. હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી.
જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાશી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હોવાના અહેવાલ છે. મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટાભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.