દુર્ઘટના@અમદાવાદ: સિલ્વર ઓક કોલેજ પાસે ક્રેનની અડફેટે 19 વર્ષીય વિદ્યાર્થીનીનું કરુણ મોત

 
અકસ્માત
કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કોલેજમાં B.Sc ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રેરણા નિનામા નામની વિદ્યાર્થિની ચાલતા જઈ રહી હતી ત્યારે કાળમુખી ક્રેને તેને અડફેટે લેતા રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.પ્રેરણા નિનામા કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરીને ચાલતા-ચાલતા બહાર નીકળી રહી હતી. કોલેજથી માત્ર 200 મીટરના અંતરે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગવાથી યુવતી રસ્તા પર નીચે પટકાઈ હતી, ત્યારબાદ આ મહાકાય ક્રેન યુવતી પરથી ફરી વળી હતી.

આ ભયાનક અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા પછી ક્રેનનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. રસ્તા પર બનેલી આ કરુણ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.