દુર્ઘટના@અમદાવાદ: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરુણ મોત, 4 ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને નડિયાદ વચ્ચે એક અત્યંત દર્દનાક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવરટેકિંગ લેનમાં બનેલી આ ઘટનામાં એક ક્ષણમાં જ હસતા-રમતા પરિવારોની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. આ ભયાનક માર્ગ અકસ્માતે સાત નિર્દોષ લોકોની જિંદગી છીનવી લેતા સમગ્ર વિસ્તારમાં અને મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આ અકસ્માત સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી બસ સાથે સર્જાયો હતો.
બસ જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આણંદ-નડિયાદ વચ્ચેના માર્ગ પર ઓવરટેકિંગ લેનમાં અચાનક આ ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. બસમાં સવાર મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ સર્જાયેલા ભયાનક અકસ્માતને કારણે ચીસાચીસ મચી ગઈ હતી.આ કાળજું કંપાવી દેનારા અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગેની જાણ થતાં જ રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને વધુ વિલંબ કર્યા વિના તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
અકસ્માતની જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસનો તાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી હતી અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

